આસારામની જામીન અરજી પર હાઇકોર્ટમાં ખંડિત ચુકાદો
Live TV
-
બહુચર્ચિત આસારામના સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી અરજી પર હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ.
બહુચર્ચિત આસારામ બાપુના સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી આસારામની જામીન અરજી પર 25 માર્ચના રોજ હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યાર બાદ આજે ફરી સુનાવણી થઈ હતી. ડબલ જજની બેંચમાં બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે 3 મહિનાના જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો અભિપ્રાય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આવ્યો હતો. હવે ચીફ જજ નક્કી કરશે કે કયા જજની બેન્ચ સમક્ષ અરજી મુકાશે. આગામી ત્રણ દિવસ હાઇકોર્ટમાં શનિ, રવિ અને સોમવારે ઇદની રજા છે. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આસારામને તબીબી કારણોસર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમે ઑર્ડરમાં કહ્યું હતું કે તેને લંબાવવા સંલગ્ન હાઇકોર્ટમાં અરજી કરી શકાશ, એટલે 31 માર્ચ સુધીમાં હાઇકોર્ટે નિર્ણય આપવો જોઈએ.
આસારામના વકીલે હોસ્પિટલમાં સારવાર અંગેનું લિસ્ટ બતાવ્યું હતું
25 માર્ચે યોજાયેલી સુનાવણીમાં આસારામ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટે દલીલ કરતાં સુપ્રીમ કોર્ટના જાન્યુઆરીના આદેશની જાણ હાઇકોર્ટને કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તેમની સમક્ષ થયેલી અરજીને ગુણદોષના આધારે મૂલવી નહોતી, પરંતુ તબીબી કારણોસર વચગાળાના જામીન આપવા માટે ફિટ કેસ માન્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ આસારામ નવેમ્બરથી લઇને આ વર્ષે જાન્યુઆરી સુધીમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા તેનું લિસ્ટ દર્શાવ્યું હતું અને AIIMS જોધપુરના એક અહેવાલ તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જેમાં એવું તારણ હતું કે દર્દીને કોરોનરી આર્ટરીની બીમારી હોવાથી તે હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે.
ત્યાર બાદ તેમણે ફેબ્રુઆરીના બે મેડિકલ રિપોર્ટ્સ તરફ ધ્યાન દોર્યું અને રજૂ કર્યું કે, આસારામને ખાસ નર્સિંગ કેર, દેખરેખ, નિયમિત ફોલો-અપ માટે એન્ડોક્રિનોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટની જરૂર છે. ત્યાર બાદ તેમણે રજૂઆત કરી હતી કે, ડોક્ટરોનો મક્કમ અભિપ્રાય છે કે આસારામને પંચકર્મ ઉપચારની જરૂર છે. જે 90 દિવસનો કોર્સ છે. વધુમાં એવી દલીલ આસારામ તરફથી કરવામાં આવી હતી કે અરજદારને સર્જરી અંગે પણ પૂછવામાં આવે છે. પરંતુ તેઓ 86 વર્ષના છે અને 75-80 વર્ષની ઉંમર પછી આ દુનિયામાં બહુ ઓછા લોકો જટિલ સર્જરીનો સામનો કરતા હોય છે.