એન્જિનિયરિંગ ક્ષેત્રે ક્રાંતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એશિયાના સૌથી મોટા ‘ENGIMACH-2025’નું ગાંધીનગર ખાતે શુભારંભ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે એશિયાના સૌથી મોટા 'ENGIMACH-2025' એન્જિનિયરિંગ એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં 1,100થી વધુ કંપનીઓ અને 10 હજાર ઉત્પાદનો પ્રદર્શિત થયા છે, જેનાથી ગુજરાત-દેશની કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ મળવાની અને 'મેઈક ઈન ઈન્ડિયા' અભિયાનને પ્રોત્સાહન મળવાની સંભાવના છે.
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17મા 'ENGIMACH-2025' ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે.
શુભારંભ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક કક્ષાના 'ENGIMACH-2025' એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનથી સ્થાનિક હોટલો અને અન્ય વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી પણ ઉપલબ્ધ થશે.
બિઝનેસ અને ટેકનોલોજીનું મહાકુંભ
સહભાગી કંપનીઓ: આ એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અંદાજે 1,100થી વધુ કંપનીઓ જોડાઈ છે.
પ્રદર્શન: અંદાજે 1 લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા આ ભવ્ય એક્ઝિબિશનમાં 10 હજારથી વધુ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું છે.
મુલાકાતીઓ: આ ત્રણ દિવસ દરમિયાન 1 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી સંભાવના છે, જેમાં વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે.
ખાસ આયોજન: એક્ઝિબિશનમાં વિવિધ ઉદ્યોગો વચ્ચે 'ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને AI તેમજ રોબોટ આધારિત મશિનરી સહિત ટેકનોલોજીમાં અપડેટ વિશે વિગતો મેળવી હતી.
તેમણે ઉદ્યોગપતિઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'મેઈક ઈન ઈન્ડિયા', 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વદેશી અભિયાન'ને વધુ પ્રોત્સાહન આપીને ભારતને એન્જિનિયરિંગ મશિનરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ આત્મનિર્ભર બનાવવા અનુરોધ કર્યો હતો.
સંઘવીએ ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સાથે આ વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આ સેન્ટરને વધુ સારી સુવિધાઓ સાથે વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટર તરીકે વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવશે.
ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
