કાઈ પો છે! ગુજરાતમાં જામ્યું આકાશી યુદ્ધ, પતંગરસિકોએ મજા માણી
Live TV
-
ગુજરાતમાં જામ્યું આકાશી યુદ્ધ, પતંગરસિકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો...તો બપોરે ઊંધિયુ, જલેબી, લાડુ, ચક્કીની લિજ્જત માણી...
ગુજરાત સૌથી લોકપ્રિય, રંગીન અને ઉમંગના પર્વ 'ઉત્તરાયણ'ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યું છે. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ અગાસી પર મ્યુઝિક સિસ્ટમના તાલે પતંગથી આકાશી યુદ્ધ લડી રહ્યા છે, તો બપોર થતા ગુજરાતીઓ ઊંધિયુ, જલેબી, લાડુ સહિતનો વ્યંજનોનો સ્વાદ માણી રહ્યા છે...ઊંધિયુ અને જલેબીની ખરીદી માટે ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગી છે. તો આજના દિવસે દાન-પૂણ્યનું પણ મહત્ત્વ છે, તેથી ગાયને ઘાસચારો અને દાન પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ કરી રહ્યા છે. મંદિરની બહાર પણ દર્શન માટે લાંબી લાઈનો લાગી છે...
મોટા શહેરોમાં ઉત્તરાયણની ઉજવણી
સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ ખાણીપીણી માટે લાંબી લાઈન લાગી છે. જેમાં ફાફડા, જલેબી અને ઊંધિયુંની ખરીદી કરવા લોકોની લાંબી લાઈન લાગી છે. અમદાવાદમાં શુધ્ધ ઘીની જલેબી, ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ, રાજકોટમાં ચાપડી ઊંધિયુંની ડિમાન્ડ અને વડોદરામાં પણ ઉંધિયાની ધૂમ ખરીદી કરવા લોકો ઉમટ્યા.
સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે સુરતીઓ અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી જશે તેવો અંદાજ છે. અમદાવાદ શહેરની તમામ દુકાનો પર લોકોની લાઇન જોવા મળી રહી છે. ફરસાણના ભાવ વધ્યા હોવા છતાં લોકોની ડિમાન્ડમાં ઘટાડો ન થયો હોવાની દુકાનદારો માની રહ્યા છે. અમદાવાદમાં શુધ્ધ ઘીની જલેબી, ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ વધુ છે. તેમજ ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ફાફડા, જલેબી અને ઊંધિયા વગર ઉત્તરાયણ અધૂરી ગણાય છે. રાજકોટ શહેરમાં લોકો પતંગ ચગાવવાની સાથે ચાપડી ઊંધિયુંનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. રાજકોટ શહેરમાં ચાપડી ઊંધિયુંની ખરીદી માટે લોકોની કતાર જોવા મળી રહી છે. આ ઉપરાંત અહીં પતંગ રસિયાઓ ચીકી અને જિંજરાનો આનંદ પણ ઉઠાવે છે.
