ગીર-સોમનાથમાં મેઘમહેર: તાલાલામાં 5 ઇંચથી વધુ વરસાદ, અનેક ગામો એલર્ટ પર
Live TV
-
ગીર-સોમનાથમાં મેઘમહેર: તાલાલામાં 5 ઇંચથી વધુ વરસાદ, અનેક ગામો એલર્ટ પર
જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે સવારથી જ ગીર-સોમનાથના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 5 ઇંચથી વધુ નોંધાયો છે. આ ઉપરાંત, ગીરગઢડામાં પોણા ત્રણ ઇંચ, વેરાવળમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં 3 ઇંચ, અને કોડીનાર-ઉનામાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.
નદી-નાળા છલકાયા, ગામો એલર્ટ પર
તાલાલાના આંબળાસ ગામમાં વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ભારે વરસાદને કારણે વેરાવળના સવની ગામ પાસે આવેલો ગાગડીયા ધોધ છલકાઈ ગયો છે. હિરણ ડેમના સાત દરવાજા ખોલવામાં આવતા ગાગડીયા ધોધમાં પાણીની આવક વધી છે, અને ડેમના આહલાદક દૃશ્યો જોવા મળી રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાલાલાના ઉમરેઠી, માલજીંજવા, અને સેમરવાવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ, વેરાવળ તાલુકાના 11 ગામોને પણ એલર્ટ જાહેર કરાયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
