નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે બે દિવસીય "ભારત-યુકે ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ
Live TV
-
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે આજે બે દિવસીય "ભારત-યુકે ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ"નો પ્રારંભ થયો છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, અમદાવાદ અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)-ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગુજરાતના મુખ્ય મહેમાનપદે આ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ક્રિસ્ટીના સ્કોટ, ભારત સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર; ડૉ. જે.એમ. વ્યાસ, NFSUના કુલપતિ અને પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર કેમ્પસ સ્ટેજ પર હાજર હતા.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ છે. સાયબર ક્રાઈમ એ માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક અપરાધ પણ છે. જેને કારણે અનેક લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. ફોરેન્સિક સાયન્સ આવા ગુનાઓની તપાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં યુ.કે. અને NFSUના નિષ્ણાતો સાયબર ક્રાઈમ સંબંધી જે કંઈ તારણો રજૂ કરશે તે ગુજરાત માટે પણ ખૂબ ઉપયોગી બની રહેશે. આ કોન્ફરન્સ સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવશે અને ગુનાનો ભોગ બનનારને મદદરૂપ બનશે.
આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી 120થી વધુ તજજ્ઞો ભાગ લઈ રહ્યા છે.
