શેરબજારમાં રોનક: સેન્સેક્સ 78 હજાર અને નિફ્ટી 24 હજારની સપાટીએ
Live TV
-
શેરબજારમાં રોનક: સેન્સેક્સ 78 હજાર અને નિફ્ટી 24 હજારની સપાટીએ
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજાર ગ્રીન ઝોનમાં (વધારા સાથે) ખૂલ્યા હતા. રોકાણકારોની આક્રમક ખરીદીને પગલે બજારના મુખ્ય ઇન્ડેક્સ નવી ઐતિહાસિક સપાટીઓ તરફ આગળ વધી રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની સવારી
બજાર ખૂલતાની સાથે જ શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. હાલમાં સેન્સેક્સ 167 પોઇન્ટના આકર્ષક વધારા સાથે 78,000ની મહત્વપૂર્ણ સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઇન્ટની મજબૂતી સાથે 24,000ની સપાટી પર મક્કમતાથી વેપાર કરી રહ્યો છે.
આ સેક્ટર્સે બજારને આપ્યો ટેકો
આજના કારોબારમાં ખાસ કરીને IT, PSU બેંક (સરકારી બેંકો) અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. આ તમામ સેક્ટર્સમાં અંદાજે 1 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે, જેના કારણે બજારને ઓલ-ઓવર સપોર્ટ મળી રહ્યો છે.
ભારતીય રૂપિયો પણ મજબૂત થયો
શેરબજારની તેજીની સાથે વિદેશી હૂંડિયામણ બજારમાં પણ ભારતીય ચલણ માટે સારા સમાચાર છે. અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 15 પૈસા મજબૂત થઈને 95.40ની સપાટી પર ખૂલ્યો હતો. રૂપિયાની આ મજબૂતી બજારના સેન્ટિમેન્ટને વધુ પાવર આપી રહી છે.
સોના-ચાંદી બજારમાં ઘટાડાનો દૌર જોવા મળ્યો હતો. સોનું 1400 રૂપિયા ઘટીને 1 લાખ 45 હજારના ભાવે છે. તો ચાંદી 3 હજારના ઘટાડા સાથે 2 લાખ 32 હજારના ભાવે પહોંચી છે.
