Skip to main content
Settings Settings for Dark

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2025: નિઃશુલ્ક ઓનલાઈન પાર્કિંગ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓનું આયોજન

Live TV

X
  • શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.

    ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.

    આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી "Show my Parking" એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં "અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો 2025" ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. આ વિગતો ભરીને "Book" પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.

    બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 2025 ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિગની કોઈપણ સમસ્યા ઉભી ના થાય તેના માટે આ વિશેષ ઓનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

    ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ પોતાની સાથે વાહનો લઈને આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા હાઈવે પર મંદિર પહેલાં જ 35 જેટલા નવા પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે.

    પાર્કિંગ સ્થળો: આ પાર્કિંગમાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરનું પાર્કિંગ કરી શકાશે, અને અહીં પોલીસ કર્મચારીઓ પણ સહકાર આપશે. દાંતા રોડ પર 23 અને હડાદ રોડ પર 12 મળીને કુલ 35 નાના-મોટા પાર્કિંગ સ્થળ તૈયાર કરવામાં આવ્યા છે.

    સ્માર્ટ પાર્કિંગ: આ વર્ષે એક નવી વ્યવસ્થા તરીકે સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે માઈભક્તો પોતાના વાહન માટે પાર્કિંગ સ્થળ એડવાન્સમાં બુક કરાવવા માગતાં હોય, તેઓ QR કોડ સ્કેન કરીને સરળતાથી બુકિંગ કરાવી શકશે. આ સુવિધાથી પાર્કિંગની શોધમાં થતો સમય અને મુશ્કેલી ઓછી થશે.

    આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ થઇ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઇ જશે. 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 પછી ધજા નહીં ચડે. આ સિવાય 1થી 6 સપ્ટેમ્બર મંદિર સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.

    દૂર દૂરથી પગપાળા ચાલીને અંબાજીના મહામેળામાં આવતાં માઈભક્તોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના આરામ માટે અલગ અલગ જગ્યાએ જર્મન ટેકનોલોજીથી બનેલા મોટા વિસામા (ડોમ) ઊભા કરવામાં આવ્યા છે. જે અંબાજી-હડાદ રોડ કામાક્ષી મંદિર પાસે, જૂની કોલેજ પરિસરમાં, મંદિરની સામે મુખ્ય માર્ગ પર, બસ સ્ટેન્ડ આગળ મલ્ટિપર્પઝ ડોમ અને દાંતા રોડ પર વિવિધ સ્થળોએ આ વિસામા બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિસામામાં ભક્તો માટે પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, અમુક મોટા ડોમમાં મોબાઇલ ચાર્જિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ કોઈપણ અગવડતા વિના યાત્રાનો આનંદ માણી શકે.

    મહામેળામાં આવતા તમામ માઇભક્તો માટે દાતાશ્રીઓના સહયોગથી અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અન્નક્ષેત્ર અંબિકા, ગબ્બર તળેટી, દિવાળીબા અને ઇનોગ્રેશન ડોમ (ઉદ્ઘાટન ડોમ) વેગ્ટેશ માર્બલની બાજુમાં આ ચાર જગ્યાએ ભક્તો ભોજનનો લાભ લઈ શકશે.

    ભાદરવી પૂનમ મહા મેળામાં આવતા લાખોની સંખ્યામાં ભક્તો ને પ્રસાદ સરળતાથી મળી રહે તે હેતુથી અંબાજી મંદિર પરિસરમાં દર વર્ષે વ્યવસ્થાઓ વધારાની કરવામાં આવતી હોય છે પણ આ વખતે પ્રસાદ વિતરણ ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અંબાજી મંદિર પરિસરની બહારના ભાગે યાત્રિક પ્લાઝા, સાત નંબર ગેટ બાહર, બસ સ્ટેન્ડ ડોમ, 90 નંબર પાર્કિંગ મા એમ પાંચ જગ્યાએ વધારાના પ્રસાદ વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે.

    ​​​​​​અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા.1/09/2025થી 7/09/2025 દરમિયાન યોજાવાનો છે. મુસાફરોની સુવિધા માટે મેળામાં એસ.ટી.ના 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી અંબાજી ખાતે 10 હંગામી બૂથો ઊભા કરી કુલ 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

    અંબાજીના બસ ડેપો મેનેજર કે. પી. ચૌહાણના જણાવ્યા મુજબ, ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો ભક્તોની સુવિધા માટે રાજ્ય સરકાર અને GSRTC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સરળતા માટે અંબાજીથી અલગ અલગ સ્થળોએ જવા માટે ગયા વર્ષ મુજબ હંગામી બસ સ્ટોપ ઊભા કરવામાં આવ્યા છે. વાહન પાર્કિંગ સ્થળેથી ખોડીવલ્લી સર્કલ સુધી આવવા-જવા માટે GSRTC દ્વારા નિ:શુલ્ક મિની બસોની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ વર્ષે, કામાખ્યા મંદિર નજીક પાર્કિંગ સ્થળ અને પાછા પાર્કિંગ સ્થળના રૂટ પર નિ:શુલ્ક મીની બસોની સંખ્યામાં 5-5 બસનો વધારો કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply