અગરિયા બાળકો માટે ગુજરાત સરકારની 'સ્કૂલ ઓન વ્હીલ્સ' પહેલ
Live TV
-
ગુજરાતના અંતરિયાળ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયા પરિવારોના બાળકો માટે શિક્ષણ મેળવવું એ હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. મોસમી સ્થળાંતરને કારણે આ બાળકોનું શિક્ષણ વારંવાર ખોરવાતું હતું, પરંતુ હવે ગુજરાત સરકારે આ સમસ્યાનો એક અનોખો અને ટેકનોલોજીથી સજ્જ ઉકેલ શોધી કાઢ્યો છે. રાજ્ય સરકારની નવતર પહેલ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (રણશાળા) પ્રોજેક્ટ હેઠળ હવે રણના સીમાડાઓમાં જ શિક્ષણ ગંગા વહેતી થશે.
વેસ્ટમાંથી બેસ્ટ: નિવૃત્ત એસ.ટી. બસો બની આધુનિક વર્ગખંડ
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે ગુજરાત એસ.ટી. નિગમની નિવૃત્ત થઈ ગયેલી (વેસ્ટ) બસોને આધુનિક અને સુસજ્જ મોબાઈલ ક્લાસરૂમમાં પરિવર્તિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી આ 28 'રણશાળા' બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબીના અગરિયા વિસ્તારોમાં જઈને બાળકોને શિક્ષણ આપશે.સોલર પાવર અને ડિજિટલ સુવિધાઓથી સજ્જ
આ રણશાળાઓ કોઈ સામાન્ય બસ નથી, પણ ચાલતા-ફરતા હાઈ-ટેક ક્લાસરૂમ છે. 3.8 KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ હોવાને કારણે આ બસો વીજળી વિના પણ 48 કલાક સુધી સતત કાર્યરત રહી શકે છે. બાળકો માટે 43 ઇંચનું સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી, શૈક્ષણિક ચેનલો અને ઓફલાઈન-ઓનલાઈન શિક્ષણ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.ભણતરની સાથે ગમ્મત અને સ્વાસ્થ્યની પણ કાળજી
શિક્ષણની સાથે બાળકોના માનસિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને આ બસોમાં ઇન્ડોર ગેમ્સ (લુડો, સાપ-સીડી), હીંચકા અને લપસણી જેવી મનોરંજનની સુવિધાઓ પણ આપવામાં આવી છે. એટલું જ નહીં, બાળકોના સ્વાસ્થ્ય મોનિટરિંગ માટે BMI ચાર્ટ, હાઈટ અને વેઈટ મેઝરમેન્ટ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. દરેક બસમાં સુરક્ષા માટે ફર્સ્ટ-એઇડ કીટ, અગ્નિશામક સાધનો અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.શિક્ષણથી વંચિત નહીં રહે એકપણ બાળક
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 6થી 14 વર્ષના બાળકોમાં શૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો છે. રાજ્ય સરકારના આ અભિગમથી હવે અગરિયા પરિવારોના બાળકોને શિક્ષણ માટે દૂર જવું નહીં પડે. આ 'રણશાળા'ઓ શિક્ષણના યજ્ઞમાં એક નવો અધ્યાય ઉમેરશે, જે દેશભર માટે એક આદર્શ મોડેલ સાબિત થઈ શકે છે.
