અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને શહેરના 5 મહત્વના વિકાસ કાર્યોને વેગ
Live TV
-
કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત દરમિયાન શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર મળેલી આ બેઠકમાં મંત્રીએ શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો લીધા હતા.
મંત્રીએ માહિતી આપી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વર્ષ 2027માં સુરત-બિલીમોરા સેક્શન પર પ્રથમ તબક્કાની સેવા શરૂ કરવામાં આવશે, જે બાદ ક્રમશઃ વાપી, અમદાવાદ અને મુંબઈ સુધી તેનું વિસ્તરણ થશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
શહેરના વિકાસ માટે લેવાયેલા પાંચ મુખ્ય નિર્ણયો:
બેઠક દરમિયાન અમદાવાદ શહેરના મહત્વના પ્રોજેક્ટ્સમાં ઝડપ લાવવા માટે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે:
1. ઓમનગર અંડરપાસ (ROB): ઓમનગર અંડરપાસનું કામ આગામી નવરાત્રી પહેલા પૂર્ણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી નાગરિકોને સુવિધા મળે.
2. અસારવા સ્ટેશનનો પુનઃવિકાસ: અસારવા સ્ટેશનને નવા માસ્ટર પ્લાન મુજબ આધુનિક ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં નવી સ્ટેશન બિલ્ડીંગ અને આધુનિક યાત્રી સુવિધાઓ ઊભી કરાશે.
3. અમદાવાદ સ્ટેશન પર દ્વિતીય પ્રવેશદ્વાર: રેલવે સ્ટેશનના પુનઃવિકાસ હેઠળ સારંગપુર દિશામાં બીજો પ્રવેશદ્વાર અને રોડ કનેક્ટિવિટી વિકસાવવા પર સહમતી સધાઈ છે.
4. શાહપુર-અમદાવાદ ફ્લાયઓવર: આ પ્રોજેક્ટ માટે ભારતીય પુરાતત્વ વિભાગની જરૂરી પરવાનગીઓ મેળવી કામગીરીને વેગ આપવા નિર્ણય લેવાયો છે.
5. સાબરમતી સ્ટેશન રોડનું વિસ્તરણ: સાબરમતી સ્ટેશન પાસે વધુ સારી કનેક્ટિવિટી માટે સ્ટેશન રોડનું વિસ્તરણ કરવામાં આવશે.
આ બેઠકમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
