અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ - 2023' નો પ્રારંભ કરાવશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૩' નો પ્રારંભ કરાવશે. અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના તમામ 9 તાલુકાઓ સહિત રાજ્યભરના 248 તાલુકાઓમાં બે દિવસીય 'રવિ કૃષિ મહોત્સવ - 2023' ઉજવાશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન પૂરું પાડવા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ સાથે રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ - 2023' યોજાનાર છે. રાજ્યક્ષાના કાર્યક્રમમાં અંદાજે 2000 જેટલા ખેડૂતો અને તાલુકાકક્ષાના કાર્યક્રમોમાં 500 જેટલા ખેડૂતો સહભાગી થશે.
'રવિ કૃષિ મહોત્સવ - 2023' અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. કૃષિ મહોત્સવના કાર્યક્રમ સ્થળે કૃષિ પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમ માટે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ, બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન સ્ટોલ, મિલેટ્સ/શ્રી અન્નની ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના વેચાણ તથા તેના લાભ અંગેના માર્ગદર્શન માટેના સ્ટોલ સહિત કુલ 30 જેટલા વિવિધ સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવનાર છે.
