Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: 'શ્રી અન્ન' દ્વારા તંદુરસ્ત ગુજરાતનો સંકલ્પ

Live TV

X
  • અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં 17 મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે.

    તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ' તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરતાં કૃષિમંત્રીએ કહ્યું કે રાસાયણિક ખેતી અને ઝેરયુક્ત અનાજના કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે. જેની સામે શ્રી અન્ન-મિલેટ્સ આરોગ્ય માટે ઉત્તમ છે અને તે ડાયાબિટીસ તેમજ કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપી શકે છે.તેમણે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાનો મોટા ભાગનો સમય પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે આપી રહ્યા છે. તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે આજે 8 લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કુલ આશરે 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. મિલેટ ઓછા પાણી અને ઓછા ખાતરમાં પણ ઉત્તમ ઉત્પાદન આપે છે, જે ક્લાયમેટ ચેન્જ સામે પણ લડવામાં મદદરૂપ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ વેલ્યૂ એડિશન અને પ્રોસેસિંગ યુનિટ માટે આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 700થી વધુ મિલેટ સ્ટોલ્સ અને પ્રદર્શનો દ્વારા ખેડૂતોને સીધું માર્કેટ પૂરું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે *પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ* જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિલેટ વર્ષ ઉજવણીની શરૂઆત કરાવી મિલેટ્સને ભારત પૂરતું સીમિત ન રાખી, દેશ-વિદેશ સુધી પહોંચાડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે,  G20ના સમિટમાં પણ વિદેશના પ્રતિનિધિઓને મિલેટ્સની વાનગી પીરસવામાં આવી હતી.

    મિલેટ મહોત્સવની સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ લોકોએ મિલેટ મહોત્સવ અને સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. વધુમાં, તેમણે મિલેટ્સમાં આવતા જુવાર, બાજરી અને રાગી સહિતના જાડા અનાજના ફાયદાઓ અને ગુણો સમજાવ્યા હતા. આ પ્રકારના અનાજથી શરીરમાં પૂરતું ન્યુટ્રિશન મળી રહે છે અને રાગીથી હાડકા મજબૂત થાય છે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રકારના મિલેટ્સ મહોત્સવ થકી આગામી પેઢીને સ્વસ્થ જીવન આપવાનું સરકારનું લક્ષ્ય છે. ખેડૂતોની આવક બમણી કરવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે ત્યારે મિલેટ્સ મહોત્સવ થકી તેમાં આવતી પ્રોડકટ્સના ભાવ સારા મળતા થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું. ભવિષ્યમાં સ્વસ્થ અને નિરોગી રહેવા માટે તેમજ દવાઓથી બચવા માટે મિલેટ્સ તરફ વળવા પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી  વિદેહ ખરે, કૃષિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply