Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: રૂ.36 હજારના લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચેટિયો 12 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના સહ-આરોપીને ફાયર એનઓસી મંજૂર કરવાના બદલામાં કથિત રીતે 36 હજાર રૂપિયાની લાંચ માંગવાના કેસમાં સ્થાનિક અદાલતે 12 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા છે. આ કેસમાં અમિત ડોંગરે અને સહ-આરોપી ભાવસિંહ ઝાલાને 12 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી રિમાન્ડ પર રાખવામાં આવશે.

    એન્ટિ કરપ્શન બ્યુરોએ 7 ઓગસ્ટના રોજ ટ્રેપ કાર્યવાહી દરમિયાન 47 વર્ષીય અમિત ડોંગરે અને 31 વર્ષીય ભાવસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. એસીબીના જણાવ્યા અનુસાર, અમદાવાદની છ અલગ-અલગ ઇમારતો માટે ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મંજૂર કરાવવાના બદલામાં લાંચ માંગવામાં આવી હતી. આરોપ છે કે દરેક એનઓસી માટે 6,000 રૂપિયાની માગ કરવામાં આવી હતી, એટલે કે કુલ 36,000 રૂપિયાની માંગણી કરી હતી. 

    એસીબી મુજબ, ફરિયાદી એક ફાયર સેફ્ટી ઓફિસર છે, જે અમદાવાદમાં ઇમારતોને અગ્નિ સુરક્ષા સંબંધી સેવાઓ પ્રદાન કરે છે. આ છ ફાયર એનઓસી માટેની અરજીઓ રાજ્ય સરકારના પોર્ટલના માધ્યમથી કરવામાં આવી હતી. લાંચની માંગણી કરવામાં આવ્યા બાદ ફરિયાદીએ વડોદરા સિટી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબીએ અમદાવાદના મેમનગર વિસ્તાર સ્થિત વિજય ક્રોસ રોડ્સ પાસે યશ ઇક્વા કોમ્પ્લેક્સની નજીક બે સરકારી પંચ સાક્ષીઓની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું. 

    કાર્યવાહી દરમિયાન ભાવસિંહ ઝાલાએ કથિત રીતે ફરિયાદી સાથે વાતચીત કરી અને 36 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી. એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો અને પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી હતી. એસીબીનો દાવો એ પણ છે કે, ટ્રેપ દરમિયાન ભાવસિંહ ઝાલાએ ફોન પર અમિત ડોંગરે સાથે વાત કરી હતી. તપાસ એજન્સીના અનુસાર, વાતચીત દરમિયાન ડોંગરેએ કથિત લાંચની રકમ અંગે સંમતિ દર્શાવી હતી.

    પ્રારંભિક તપાસના આધારે એસીબીનો આરોપ છે કે, ભાવસિંહ ઝાલાએ અમીત ડોંગરેના કહેવાથી લાંચની માગ કરી હતી અને તેને સ્વીકારી હતી. એજન્સીનું કહેવું છે કે, બંને આરોપીઓએ એકબીજાની મદદ કરીને કથિત અપરાધને અંજામ આપ્યો હતો.

    એસીબીની કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક અસરથી અમીત ડોંગરેની નિમણૂક રદ કરી દીધી છે. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસ એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પ્રોબેશનરી ચીફ ફાયર ઓફિસરના પદ પર કાર્યરત હતા.

    અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસ પોર્ટલ પર જારી તમામ એનઓસીનો રેકોર્ડ ઉપલબ્ધ છે. તપાસ દરમિયાન બંને આરોપીઓના બેન્ક ખાતા, નાણાકીય લેણ-દેણ અને પરસ્પર વાતચીતની પણ તપાસ કરવામાં આવશે. એસીબીનું કહેવું છે કે, આગળની તપાસમાં આરોપીઓની કથિત ભૂમિકા અને કેસના વ્યાપક પાસાઓનો ખુલાસો થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply