અમદાવાદ હાટ ખાતે 15 થી 19 નવેમ્બર સુધી ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળો' યોજાશે
Live TV
-
ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર દેશના આદિવાસી સમાજના મસીહા - ભગવાન બિરસા મુંડાની ગુજરાત સહિત દેશભરમાં તા. 15 મી નવેમ્બરના રોજ 150મી જન્મજયંતી વિવિધ સ્વરૂપે ઉજવાઈ રહી છે. બિરસા મુંડાનો જન્મદિવસને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ નિમિત્તે અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર ધરાવતા 14 જિલ્લાના હસ્ત કલાકારો તેમણી અમૂલ્ય હસ્તકલા-કૃતિઓને એક સાથે પ્રદર્શિત કરશે. જે અંતર્ગત અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે તા. 15 થી 19 નવેમ્બર 2024 દરમિયાન ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.
‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં આદિવાસી વિસ્તારની હસ્તકલા-કૃતિઓ, પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ, સાથે જ ખેત ઉત્પાદન, ગૌણવન પેદાશોને તેમજ વન ઔષધિઓને વેચાણ-પ્રદર્શન માટે મુકવામાં આવશે, જે આ મેળાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે.
ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિજાતિના 14 જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કુલ 54 તાલુકાઓના હસ્ત કલાકારો અમદાવાદ ખાતે યોજાનાર આ વેચાણ અને પ્રદર્શન મેળામાં સહભાગી થશે.નાગરિકો આ મેળાની બપોરે 02 થી રાત્રિના 10 કલાક સુધી મુલાકાત લઇ શકશે. ઉપરાંત દરરોજ રાત્રિના 08:30 થી 09:30 કલાકે પ્રસિદ્ધ આદિવાસી નૃત્ય કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવવામાં આવશે.
