અમરેલી: ગણેશ વિસર્જન દરમિયાન રાજુલાના ચાંચબંદરમાં કરુણાંતિકા, દરિયાઈ ખાડીમાં 3 યુવકો ડૂબ્યા, 2નો બચાવ, 1નું મોત
Live TV
-
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ચાંચબંદર ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના ઘટી છે. વિસર્જનની ધાર્મિક વિધિ દરમિયાન અચાનક દરિયાઈ ખાડીની ઊંડા પાણીમાં ત્રણ યુવકો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની ત્વરિત સતર્કતા અને હિંમતને કારણે બે યુવકોને તો સમયસર સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ 19 વર્ષીય વીરસંગ ગુજરીયા નામના યુવક દરિયાના ધસમસતા પ્રવાહમાં લાપતા થતાં મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસ કાફલો સહિત સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા યુવકની શોધોખોળ માટે દરિયાઈ ખાડીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
લાંબી મથામણ બાદ મોડી રાત્રે દરિયામાંથી 19 વર્ષીય વીરસંગ ગુજરીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગણેશોત્સવના આ પવિત્ર અને આનંદમય પ્રસંગે બનેલી ઘટનાથી મૃતક યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
