Skip to main content
Settings Settings for Dark

અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું: વૈશ્વિક કનેક્ટિવિટીને મળશે નવો વેગ

Live TV

X
  • મુસાફરોને કસ્ટમ્સ, ઇમિગ્રેશન અને સામાનની તપાસમાં ફરીથી ચેકિંગમાંથી મુક્તિ: સમય અને ખર્ચની બચત થશે

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) ખાતેથી ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ પહેલ હેઠળ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના અગ્રણી હબ-એન્ડ-સ્પોક માળખામાં સાંકળી લેવામાં આવ્યું છે. 

    હબ એન્ડ સ્પોક સેવાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધી રહી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો અગત્યનો ફાળો રહ્યો છે.  'ઉડે દેશ કા આમ નાગરિક' અભિગમથી 'ઉડાન' યોજના હેઠળ 679થી વધુ રૂટ્સ કાર્યરત કરી, સામાન્ય પ્રવાસીઓને એર કનેક્ટિવિટી આપીને વિમાન પ્રવાસનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી 'હબ ઍન્ડ સ્પોક' સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 'ઈઝ ઓફ ટ્રાવેલ'નો સીધો લાભ મળશે અને નાના શહેરોના મુસાફરોને બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાયનાન્સિંગ તેમજ દેશના પ્રથમ સ્માર્ટ સિટી ધોલેરા ખાતે નિર્માણધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સથી ગુજરાત એવિએશન ક્ષેત્રનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે, જે જાન્યુઆરી 2027માં યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. ગુજરાતમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત કુલ 19 એરપોર્ટ્સ કાર્યરત છે. દેશના પ્રથમ સ્માર્ટ સિટી ધોલેરા ખાતે નિર્માણ પામી રહેલું અદ્યતન ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવનારા સમયમાં ગુજરાત તેમજ દેશના અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરશે. 

    આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપવાની દિશામાં અમદાવાદથી હબ એન્ડ સ્પોક મોડલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની વૈશ્વિક કનેક્ટિવિટી અને ગુજરાતની વિશાળ એનઆરઆઈ કમ્યુનિટી તથા વેપાર-ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ મોડલ મહત્વપૂર્ણ સાબિત થશે. હબ એન્ડ સ્પોક મોડલ અંતર્ગત અમદાવાદથી દિલ્હી મારફતે વિશ્વના આશરે 15 આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે વધુ સુગમ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. મુસાફરો માટે બેગેજ ચેકિંગ અને ઈમિગ્રેશન જેવી પ્રક્રિયાઓ અમદાવાદ ખાતે જ પૂર્ણ કરવાની સુવિધા મળવાથી દિલ્હી ખાતે ફ્લાઈટ બદલતી વખતે પડતી અગવડો દૂર થશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સીમલેસ બનશે. વર્ષ 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 160થી વધુ થયા છે. આગામી દસ વર્ષમાં ‘ઉડાન’ યોજનાના વિસ્તરણ સાથે દેશમાં વધુ 100 એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશની આર્થિક ગતિ, રોજગાર અને વેપાર-ઉદ્યોગના વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.

    અમદાવાદની વધતી હવાઈ કનેક્ટિવિટીથી હૉસ્પિટાલિટી, પ્રવાસન, ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, ડાયમંડ-જેમ્સ, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોને નવી ગતિ મળશે. 'ઉડાન યાત્રી કેફે’, એરપોર્ટ લાઇબ્રેરી અને ડિજિટલ બોર્ડિંગ પાસ જેવી પહેલો દ્વારા મુસાફરોની સુવિધા અને અનુભવને પણ વધુ બહેતર બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MRO(Maintenance, Repair, and Overhaul) સેક્ટરમાં થયેલા નીતિગત સુધારાઓથી ભારત ઝડપથી ગ્લોબલ એવિએશન હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી યોજનાઓ હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી નવા એરપોર્ટ્સ અને ડેસ્ટિનેશન્સ વિકસાવવામાં આવશે. વિશ્વભરમાં પથરાયેલો વિશાળ પ્રવાસી ગુજરાતી સમુદાય, ગુજરાતનો મજબૂત વેપારી આધાર અને પ્રવાસનની અપાર શક્યતાઓને કારણે અમદાવાદ વૈશ્વિક સંપર્કનું એક મુખ્ય કેન્દ્ર બનશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ‘હબ ઍન્ડ સ્પોક’ એ એરલાઇન ઓપરેશનલ સિસ્ટમ છે, જે હેઠળ નાના શહેરો (સ્પોક) ના મુસાફરોને મોટા કેન્દ્રીય એરપોર્ટ (હબ) પર લાવવામાં આવે છે અને ત્યાંથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સુવિધાથી મુસાફરોના સામાન, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ તપાસ પ્રારંભિક એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે, જેથી હબ એરપોર્ટ પર ફરીથી સુરક્ષા તપાસ કે ચેક-ઇન કરવાની જરૂર રહેશે નહીં. સ્વચાલિત સામાન ટ્રાન્સફર અને સરળ પ્રક્રિયાથી મુસાફરોના સમયની બચત થશે તેમજ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે. આ ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, અદાણી એરપોર્ટના ડાયરેક્ટર જીત અદાણી, એર ઇન્ડિયા ગ્રુપના કોર્પોરેટ અફેર્સના હેડ પી.બાલાજી, પ્રવાસન સચિવ  કુલદીપ આર્ય, નાગરિક ઉડ્ડયન વિભાગના પદાધિકારીઓ, એર ઈન્ડિયા અને અદાણી એરપોર્ટના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
apply