આહવા ખાતે 4 દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ
Live TV
-
ડાંગની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકમેળા ડાંગ દરબારની શરૂઆત આહવા ખાતે થઈ હતી. કોરોનાકાળ બાદ લાંબાગાળે આયોજિત થયેલા ડાંગ દરબારનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલ સહિત ડાંગના રાજા રજવાડાઓની ઉપસ્થિતિમાં કરાયો હતો. તારીખ 13 માર્ચથી 16 માર્ચ સુધી ચાલનારા આ ભાતીગળ ડાંગ દરબારમાં આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળશે. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગના લોકોને આવી રહેલા તહેવારની શુભેચ્છા આપી હતી, તેમજ ગુજરાતના પ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતા ડાંગની પ્રકૃતિના જતન કરવાની સાથે પ્રાકૃતિક ખેતી પર પણ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજ્યપાલના હસ્તે ડાંગના માજી રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન કરાયુ હતુ. રાજભવન વતી પણ વિશેષ મોમેન્ટો અર્પણ કરીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનુ અદકેરૂ સન્માન કર્યુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી રાજ્યપાલશ્રીને ધનુષબાણ અર્પણ કરી, અને પાઘડી પહેરાવી સન્માન કર્યુ હતુ. રાજવીશ્રીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનબીડાં, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યા બાદ રાજ્યપાલશ્રીએ આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
