ઓડિશાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી વિભાગના મંત્રીએ NFSUની મુલાકાત લીધી
Live TV
-
મંત્રી ડૉ. મુકેશ મહાલિંગે કહ્યું કે, તમામ રાજ્યોમાં NFSU કેમ્પસ સ્થાપિત કરવામાં આવે તો દેશભરમાં ન્યાયિક પ્રક્રિયાઓની સહાય માટે કુશળ માનવબળનું નિર્માણ થશે...NFSU ટેકનોલોજી આધારિત ગુનાઓ સામે ભારતનું મુખ્ય સુરક્ષા-કવચ છે...
ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સંસદીય બાબતો અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી ડૉ. મુકેશ મહાલિંગે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ની મુલાકાત લીધી હતી. ડૉ. મુકેશ મહાલિંગે NFSUના ગાંધીનગર કેમ્પસમાં ગુના-તપાસના વિવિધ પાસાઓ પર NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર, પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે સાથે વિગતવાર ચર્ચા કરી. તેમણે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેટિવ અને ફોરેન્સિક સાયકોલોજી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન DNA ફોરેન્સિક્સની મુલાકાત પણ લીધી હતી.
ઓડિશા સરકારના મંત્રી ડૉ. મુકેશ મહાલિંગજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) દેશમાં દોષસિદ્ધિનો દર વધે તે માટે ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. NFSUના ગાંધીનગર કેમ્પસમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યા પછી, મંત્રીએ કહ્યું હતું કે તમામ રાજ્યોમાં NFSU કેમ્પસ સ્થાપિત કરવામાં આવે તો દેશભરમાં ન્યાયિક પ્રક્રિયાઓની સહાય માટે કુશળ માનવબળનું નિર્માણ થશે. NFSU દેશભરમાં ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કુશળ માનવબળ વિકસાવી રહ્યું છે. NFSU ટેકનોલોજી આધારિત ગુનાઓ સામે ભારતનું મુખ્ય સુરક્ષા-કવચ છે.
NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ.જુનારેએ ડૉ. મુકેશ મહાલિંગજીનું સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરીને તેઓને NFSUની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, NFSUના કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ, વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દેશ અને વિદેશમાં ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત બનાવી રહી છે.
