કચ્છમાં મેઘરાજાની ધબધબાટી: ભુજમાં 5 ઈંચ, નખત્રાણામાં 4 ઈંચ વરસાદ
Live TV
-
કચ્છમાં મેઘરાજાની ધબધબાટી: ભુજમાં 5 ઈંચ, નખત્રાણામાં 4 ઈંચ વરસાદ, કંકાવતી અને કાયલા ડેમ છલકાયા!
કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન પશ્ચિમ કચ્છમાં મેઘમહેર જોવા મળી હતી, જ્યારે હાલ પૂર્વ કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ભુજમાં પાંચ ઈંચ અને નખત્રાણામાં ચાર ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છમાં, છેલ્લા 6 થી 8 કલાકમાં ભચાઉમાં બે ઈંચ (45 મિ.મી.) અને માંડવીમાં દોઢ ઈંચ (37 મિ.મી.) વરસાદ નોંધાયો છે. હાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.
આ ભારે વરસાદના પગલે કચ્છના જળાશયો પણ છલકાઈ રહ્યા છે, જે ખેડૂતો અને સ્થાનિકો માટે ખુશીના સમાચાર છે. અબડાસાનો મહત્વનો ગણાતો કંકાવતી ડેમ રાત્રિના સમયે ઓવરફ્લો થઈ ગયો છે, જે ખેતી માટે અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત, પાવરપટ્ટી વિસ્તારના ઝુરા, જતવાંઢ, પાલનપુર અને લોરિયા જેવા ગામોની સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયલા ડેમ પણ ઓવરફ્લો થયો છે.
ગત રાત્રિથી પશ્ચિમ કચ્છમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક મધ્યમ કક્ષાનો ડેમ છલકાતાં પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા છે. મેઘરાજાની આ મહેરબાનીથી સમગ્ર કચ્છ જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.
