કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાની પસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના ભૂમિપૂજનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે રૂ. 136 કરોડના ખર્ચે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજજ 100 બેડની આર્યુવેદિક હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સહયોગથી આકાર લેનારી ગુજરાતની છઠ્ઠી આર્યુવેદિક હોસ્પિટલ અને કોલેજમાં કાયચિકિત્સા, પંચકર્મ, શલ્યતંત્ર, શાલાક્યા તંત્ર (નેત્ર વિભાગ), શાલાક્યા તંત્ર (કર્ણ, નાસા, મુખ, દંત વિભાગ), પ્રસુતિ/ સ્ત્રી રોગ વિભાગ જેવા અલગ-અલગ 9 વિભાગોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે, જેનો લાભ સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લાને મળશે. આ કોલેજમાં અભ્યાસ કરવા માટે જરૂરી લાયકાતો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના બાળકો નજીવી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકશે. નરેન્દ્રભાઇ મોદીનાં પ્રધાનમંત્રી બન્યા બાદ આયુષ વિભાગનું બજેટ વર્ષ 2014માં રૂ. 691 કરોડથી વધારી વર્ષ 2022માં રૂ. 3050 કરોડ કરવામાં આવ્યું છે, જેનાં પરિણામે દેશમાં આયુષ સારવારનું માળખું સુદ્રઢ બન્યું છે. કોરોના કાળમાં આયુષ ઉપચાર પદ્ધતિઓના સફળ ઉપયોગ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ આયુષ વિભાગ આરોગ્યનો એક નાનો વિભાગ માત્ર હતો ત્યારે છેલ્લા દાયકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન અને અવિરત પ્રયાસોના કારણે વિશ્વભરમાં આયુર્વેદનું મહત્વ વધ્યું છે. આયુષ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને તેનું દેશવ્યાપી માળખું મજબૂત કરવાની દિશામાં સરકારની કામગીરીની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014માં દેશમાં 523 આયુર્વેદ કોલેજો હતી જ્યારે વર્ષ 2022માં 780 આર્યવેદિક કોલેજ કાર્યરત થઈ છે.
ચીન સહિતનાં પ્રતિસ્પર્ધીઓને માત આપી પ્રધાનમંત્રીનાં માર્ગદર્શન હેઠળ જામનગર ખાતે દુનિયાનું પ્રથમ અને WHO દ્વારા પ્રમાણિત એવું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન નિર્માણ પામશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં રૂ. 9000 કરોડનાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. દેશની 23 જેટલી એઈમ્સમાં આયુષ વિભાગની શરૂઆત કરવામાં આવી છે. નેશનલ આયુષ મિશન અંતર્ગત ગુજરાતમાં 265 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 12 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોની વિસ્તારપૂર્વક વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સેમિકંડક્ટરનાં ઉત્પાદનક્ષેત્રે તાઈવાનનું જ વર્ચસ્વ હતું તે સેમિકંડક્ટરનાં ઉત્પાદનનો પ્લાન્ટ સરકારનાં પ્રયાસોથી ધોલેરામાં શરૂ થવા જઈ રહ્યો છે.
