Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Live TV

X
  • સણાદર ડેરી ખાતે હજારો પશુપાલકોની હાજરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશુપાલકોની આવક વધારતા નવીન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો...તેમણે કહ્યું કે, ગલબાભાઈનું સ્વપ્ન અને પશુપાલકોની મહેનત થકી બનાસ મોડેલ બન્યું દેશ માટે પ્રેરણારૂપ...

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી. 

    કેન્દ્રીય મંત્રી અમિત શાહે શું કહ્યું?

    આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલ સહકાર મોડેલ આજે દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે. સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ 1986માં ફ્કત આઠ ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી તે સંસ્થા આજે 24 હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. જે યાત્રા ફક્ત 400 રૂપિયાથી શરૂ કરીને આજે 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે. 

    ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે. 

    મંત્રી અમિત શાહે કહ્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો થશે. સરકારની વિવિધ યોજનાઓ થકી શ્વેતક્રાંતિ 2.0ને સફળ બનાવવા અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌકોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે. આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આગામી જાન્યુઆરી 2026માં દેશની 250 જેટલી ડેરીના ચેરમેન અને MD બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ કહ્યું હતું.  મંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિદીન નિમિત્તે તેમને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સરદાર વલ્લભ પટેલના સહકાર અને ખેડૂતોના હિત માટે લીધેલા પગલાંની સરાહના કરી હતી. 

    વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શું કહ્યું ?

    આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઉભુ કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે. ગ્રામીણ વિસ્તારના નાના માણસનું જીવન ધોરણ બદલાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહકારથી સમૃદ્ધિ હેઠળ કામગીરી થઈ રહી છે. સરકારની યોજનાઓ થકી 24 કલાક વીજળી અને પાણી થકી પશુપાલકોને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આજે સહકારી મંડળીઓનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે જેનું ફક્ત 1 વર્ષમાં 4283 કરોડનું ટર્નઓવર થયું છે. ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે. આજે સહકાર ક્ષેત્ર ટેક્સીના ડ્રાઇવરો સુધી પહોંચીને તેમના માટે પણ સહકારી કંપની શરૂ થઈ છે. બનાસકાંઠામાં આગામી સમયમાં અનેક ધંધાઓ થકી પશુપાલકોની આવક બમણી કરવા માટે કામ આગળ વધી રહ્યું છે. 

    આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળી અને જીતુભાઈ વાઘાણીએ બનાસ મોડેલના વિકાસગાથા વિશે વાત કરી હતી. આજે સહકાર મંત્રાલય હસ્તકની સંસદીય પરામર્શ સમિતિએ બનાસ મોડેલની મુલાકાત લીધી હતી.  આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, સહકાર સચિવ આશિષ ભુતાની, સુઝુકી ઈન્ડિયાના એમ.ડી અને ડિરેક્ટર, અમૂલના ચેરમેન અશોક ચૌધરી સહિત સહકારી ડિરેક્ટરઓ અને બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. 
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply