ક્રાંતિવીર સરદારસિંહ રાણાની 156મી જયંતિએ વિધાનસભામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Live TV
-
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ક્રાંતિવીર સરદારસિંહ રાણાની ૧૫૬મી જયંતિ નિમિત્તે પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી
દેશની આઝાદીની ચળવળના અગ્રણી ક્રાંતિવીર સરદારસિંહ રાણાની આજે 156મી જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ અને બલિદાનને યાદ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરદારસિંહ રાણા એવા ક્રાંતિવીર હતા જેમણે ભારતની સ્વતંત્રતા પૂર્વે જ વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશની અસ્મિતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું સંકલન કર્યું હતું. મેડમ ભિખાઈજી કામા સાથે મળીને તેમણે જર્મનીમાં સૌપ્રથમવાર ભારતનો ધ્વજ ફરકાવ્યો, જે તે સમયે વૈશ્વિક સ્તરે ભારતની સ્વતંત્રતાના અવાજ સમાન હતો.
અધ્યક્ષે ઉમેર્યું હતું કે, તેમણે પોતાનું જીવન માત્ર અંગત સુખ-સુવિધા કે વ્યવસાય માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકે તે માટે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા બાદ આઝાદીની લડતમાં સક્રિય થયા હતા.
અધ્યક્ષે યુવા પેઢીને સરદારસિંહ રાણાના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા આહવાન પણ કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના સચિવ સી. બી. પંડ્યા સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રીન વેલી શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહીને આ મહાન દેશભક્તને અંજલિ આપી હતી.
