ખેતીમાં ચમત્કાર: ધારીના દિતલા ગામે એક જ આંબા પર પાકે છે 14 જાતની કેરી!
Live TV
-
ખેતીમાં ચમત્કાર: ધારીના દિતલા ગામે એક જ આંબા પર પાકે છે 14 જાતની કેરી!
કહેવાય છે કે જો માણસ ધારે તો પોતાની સૂઝબૂઝ અને મહેનતથી અશક્યને પણ શક્ય બનાવી શકે છે. આવો જ એક અદભુત અને પ્રેરણાદાયી કિસ્સો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામેથી સામે આવ્યો છે. અહીંના એક પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ કૃષિ વિજ્ઞાનનો અનોખો પ્રયોગ કરીને આખા પંથકમાં ભારે આકર્ષણ અને આશ્ચર્ય જગાવ્યું છે. તેમણે ગ્રાફ્ટિંગ એટલે કે કલમ પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના ઘર આંગણે ઉગેલા એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ પ્રકારની કેરીઓ ઉગાડવામાં સફળતા મેળવી છે.
આધુનિક અને લુપ્ત થતી જાતોનો અનોખો સંગમ
સામાન્ય રીતે એક આંબા પર એક જ પ્રજાતિની કેરી જોવા મળતી હોય છે, પરંતુ ઉકાભાઈના આ 'જાદુઈ આંબા' પર નજર નાખતા જ પ્રકૃતિનો નવો જ નજારો જોવા મળે છે. આ એક જ વૃક્ષ પર અત્યારે બજારમાં ધૂમ મચાવતી આધુનિક જાતોની સાથે-સાથે નવાબી કાળની લુપ્ત થતી દેશી જાતોનો પણ ઉછેર થઈ રહ્યો છે.
આંબા પર પાકતી મુખ્ય જાતો:
આમ્રપાલી, નીલમ અને દશેરી, નાળિયેરો, ગુલાબિયો, સિંદુરિયો અને કાળો જમાદાર જેવી કેરીની જાતો પાકે છે.
નવી પેઢીને જ્ઞાન અને ખેડૂતોને પ્રેરણા આપવાનો ઉદ્દેશ્ય
આ અનોખા પ્રયોગ પાછળ ઉકાભાઈ ભટ્ટીનો આશય માત્ર કઈંક નવું કરવાનો જ નથી, પણ તેની પાછળ એક ઉમદા સામાજિક અને કૃષિ વિષયક હેતુ છુપાયેલો છે.
સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર
એક જ વૃક્ષની જુદી જુદી ડાળીઓ પર અલગ-અલગ કદ, રંગ અને સ્વાદની કેરીઓ લટકેલી જોવા મળતા આ અદ્ભુત આંબાને જોવા માટે આસપાસના ગામના લોકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉકાભાઈના ઘરે આવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે રસ ધરાવતા લોકો ઉકાભાઈની આ ગ્રાફ્ટિંગ ટેકનિક અને તેમની કોઠાસૂઝના ભારોભાર વખાણ કરી રહ્યા છે. ખેતીમાં નવતર પ્રયોગો કરવા ઈચ્છતા ખેડૂતો માટે દિતલા ગામનો આ આંબો એક જીવંત યુનિવર્સિટી સાબિત થઈ રહ્યો છે.
