ગંભીરા બ્રિજ પર કામગીરી દરમિયાન અકસ્માત
Live TV
-
ગંભીરા બ્રિજ પર કામગીરી દરમિયાન અકસ્માત: ઊંચાઈ પરથી પટકાતા મજૂરને ઈજા, હાલ અમદાવાદમાં સારવાર હેઠળ
વડોદરાના ગંભીરા બ્રિજ પર ચાલી રહેલી પુલની કામગીરી દરમિયાન એક મજૂર ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદી મુજબ, આ અકસ્માત સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય રીતે ન લાગવાને કારણે સર્જાયો હતો.
કેવી રીતે બની ઘટના?
હાલ ગંભીરા બ્રિજ પર 300 થી 350 જેટલા મજૂરો પૂરજોશમાં કામ કરી રહ્યા છે. આ દરમિયાન એક મજૂર સેફ્ટી સાધનો સાથે પિયર (થાંભલા) પર કામ કરી રહ્યો હતો. કમનસીબે, સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થાને ન ભરાયો હોવાથી મજૂર અચાનક લપસીને નીચે પડ્યો હતો. સ્થળ પર હાજર ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ અને જીગરભાઈએ તાત્કાલિક પગલાં ભરીને ઇજાગ્રસ્ત મજૂરને સારવાર અર્થે ખસેડ્યો હતો.
સારવાર અને સ્વાસ્થ્ય અપડેટ
મજૂરને કમર અને પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ આ મજૂર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જણાવાયું છે. ઇજારદાર દ્વારા હોસ્પિટલમાં મજૂરની સારસંભાળ માટે એક ખાસ વ્યક્તિને પણ તૈનાત કરવામાં આવ્યો છે.
પરિવાર પર નહીં પડે આર્થિક બોજ
તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇજારદાર દ્વારા નિયમ મુજબ તમામ મજૂરોનો વીમો (Insurance) લેવામાં આવ્યો છે. આ અકસ્માતની તમામ સારવારનો ખર્ચ વીમા અંતર્ગત આવરી લેવામાં આવ્યો હોવાથી મજૂરના પરિવાર પર કોઈ વધારાનો આર્થિક બોજ પડશે નહીં.
