ગાંધીનગરના નાગરિકો માટે 2 નવીન અત્યાધુનિક સબ રજીસ્ટ્રાર કચેરીનો પ્રારંભ
Live TV
-
પાટનગર ગાંધીનગરના બહુમાળી ભવન, સેક્ટર 11 ખાતે સબ રજીસ્ટ્રારની બે નવીન કચેરીનો આરંભ કરવામાં આવ્યો છે. આજે બન્ને કચેરીનો આરંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો. સી.સી.ટી.વી કેમેરા સહિતની સુવિધાઓથી સજ્જ કચેરીનું નોંધણી પ્રભાગના "અનુબંધ વચનમ"ના ધ્યેય સાથે નિર્માણ કરવામાં આવ્યું છે.
ગતિશીલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શહેરીકરણના વિકાસને પરીણામે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરમાં દસ્તાવેજોની નોંધણીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ખાતે કુલ 60 હજાર કરતાં વધુ દસ્તાવેજોની નોધણી કરવામાં આવી હતી. સમગ્ર ગાંધીનગર તાલુકાના દસ્તાવેજો ફક્ત એક જ સબ રજીસ્ટ્રાર કચેરી કે જે જીલ્લા સેવા સદન, ગાંધીનગર ના ભોંયતળીયે સ્થિત છે ત્યાં જ નોંધાતા હતા. જેથી દસ્તાવેજની નોંધણી અર્થે આવનાર પક્ષકારોને ભારે ભીડભાડનો સામનો કરવો પડતો હતો. દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં પણ ભારે ઘસારાના લીધે વિલંબ થતો અને પક્ષકારોને લાંબો સમય રાહ જોવી પડતી હતી. હવે આ નવી 2 કચેરી શરૂ થતા ગાંધીનગરના નાગરિકો સરળતાપૂર્વક અને ચોક્કસ સમયે સગવડપૂર્વક દસ્તાવેજોની નોંધણી કરાવી શકશે.
રાજ્ય સરકારે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરને ગત પહેલી જાન્યુઆરીથી ત્રણ ઝોન માં વિભાજીત કરી છે. જે અન્વયે ગાંધીનગર તાલુકાને ત્રણ ઝોન માં વિભાજીત કરી દસ્તાવેજની નોંધણીનું કાર્યભારણ કોઇ એક કચેરી પર ન આવે તથા ગાંધીનગર તાલુકા હેઠળના વિસ્તારો 3 અલગ-અલગ ઝોન માં વહેંચાતા નોંધણીની પ્રક્રિયા ઝડપી અને સરળ થઇ શકશે.
સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ઝોન-1 અને ઝોન-2ની નવીન કચેરીઓનું નિર્માણ રૂ.1 કરોડ 13 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. જે નવીન કચેરીઓ ગાંધીનગર બહુમાળી ભવનમાં પ્રથમ તથા બીજા માળે કાર્યરત કરવામાં આવી છે. નવનિર્મિત કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા પક્ષકારોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સ્લોટ મુજબ પક્ષકારોને બેસવા માટે અલગ A.C વાળા વેઇટીંગ રૂમની સુવિધા કરવામાં આવી છે. પક્ષકારોને તરત માહિતી મળી રહે તે માટે દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા, ઇન્ડેક્ષ, બોજા રિપોર્ટ, ખરી નકલો મેળવવા માટેની પદ્ધતિના માર્ગદર્શક નોટીસ બોર્ડ તથા ટી.વી.ની સુવિધા કરવામાં આવી છે. તેમજ ટોયલેટ અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ કચેરીમાં કરવામાં આવી છે. કચેરીમાં સબ રજીસ્ટ્રારના સ્લોટ મુજબ અલગ-અલગ નોઇસપ્રુફ વિડીયોરેકોર્ડીંગ થઇ શકે તેવી ચેંબર, ક્લાર્ક માટે અલગ ચેમ્બર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્કેનીંગ ઓપરેટર, સર્ચ અને સીક્કા ઓપરેટર માટે અલગ બેઠક, સાઇનીંગ બોર્ડની વ્યવસ્થા સાથેની અત્યાધુનિક કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
