ગાંધીનગરને “હરિયાળી લોકસભા” બનાવવા અમિત શાહનો સંકલ્પ, 1 કરોડ રોપાઓનું લક્ષ્ય
Live TV
-
ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો
ગુજરાત પ્રવાસે પધારેલા ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારને 'હરિયાળી લોકસભા' બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27 દરમિયાન વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કરાયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્ય સચિવ મનોજકુમાર દાસ પણ આ બેઠકમાં સહભાગી થયા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વક્ષારોપણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે રહેણાંક વિસ્તારમાં 50થી વધુ વૃક્ષો વાવી શકાય તેવી સોસાયટીઓ આઈડેન્ટિફાય કરીને વૃક્ષારોપણ હાથ ધરવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદના દરેક ખૂણે ગ્રીન કવર વધે તે માટે વધુને વધુ વૃક્ષો લોકભાગીદારીથી વાવવાનું આહવાન કર્યું હતું. તેમના સંસદીય ક્ષેત્રના GIDC વિસ્તારોમાં રોપાઓના સઘન વાવતેરથી ગ્રીન કવર વધારીને શ્રમિકો તથા ઉદ્યોગકારોને પર્યાવરણપ્રિય વાતાવરણ પૂરું પાડવાની કેન્દ્રીય ગૃહમંત્રીએ નેમ વ્યક્ત કરી હતી. એટલું જ નહિ, રસ્તાના મીડિયન સહિત નાનામાં નાની ખુલી જગ્યામાં વક્ષારોપણ કરવાનું તેમણે સૂચન કર્યું હતું. ગાંધીનગર લોકસભા વિસ્તારને 'હરિયાળી લોકસભા' બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે લોકસભા વિસ્તારમાં ગત વર્ષના વાવેતરની સરખામણીએ આ વર્ષે 64 ટકા વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે કે ગયા વર્ષે લગભગ 62.85 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેની સામે આ વર્ષે 1 કરોડ 3 લાખ જેટલા રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વૃક્ષારોપણ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે 'એક પેડ માં કે નામ 2.0' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સરકાર, સંસ્થાઓ અને નાગરિકોના સંયુક્ત સહકારથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું આદર્શ હરિયાળું લોકસભા ક્ષેત્ર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા મફત રોપા વિતરણ કરવામાં આવશે. ટેનામેન્ટ, રો-હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ આપવામાં આવશે. આ બૃહદ અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ સરકારી કચેરીઓ અને વિભાગો જોડાવવાના છે, જેમાં નાયબ વન સંરક્ષક-અમદાવાદ દ્વારા સૌથી વધુ 38.79 લાખથી વધુ અને નાયબ વન સંરક્ષક-ગાંધીનગર દ્વારા 12.47 લાખથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 25 લાખ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા 5.42 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2025-26 દરમિયાન થયેલ વૃક્ષારોપણના ઉત્તમ પરિણામોને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાના 18 અને અમદાવાદ જિલ્લાના 7 એન્ટ્રી પોઇન્ટ્સ પર અનોખી ઓળખ ધરાવતા કુલ 6000 રોપાઓનું વાવેતર કરીને આ વિસ્તારોને સુશોભિત કરવામાં આવશે, જેના માટે 'વન કવચ' બનાવવા તેમજ જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવાનું આયોજન પંચાયત અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ માટે મિયાવાકી મોડલ, ડેન્સ પ્લાન્ટેશન, લિનિયર પ્લાન્ટેશન, બાઉન્ડરી પ્લાન્ટેશન તથા સ્કેટર્ડ પ્લાન્ટેશન જેવી વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. ખાસ કરીને શહેરના ડમ્પ સાઇટ્સ, ખાલી પડેલ સરકારી પ્લોટ્સ અને રોડ સાઇડ વિસ્તારોને હરિયાળા બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા, સેલ્ફી પોઇન્ટ, ડિજિટલ પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોને આ અભિયાનમાં જોડવામાં આવશે. આ ઉપરાંત, રેલ્વે તંત્ર સાથે MoU કરીને રેલ્વે વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષારોપણ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા CSR અંતર્ગત પણ નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો છે. વિવિધ સંસ્થાઓ દ્વારા લાખો વૃક્ષારોપણનો લક્ષ્યાંક સ્વીકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગર સંસદીય વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઇ શાહ દ્વારા 2019 થી 2025 દરમિયાન થયેલા વૃક્ષારોપણના કારણે 11.25 ટકા એટલે કે 2729 હેક્ટરનું ગ્રીન કવર વધ્યું છે. આ સઘન વૃક્ષારોપણ ઝુંબેશના પગલે ગાંધીનગર લોકસભામાં વ્યાપક હરિયાળી સાથે ગ્રીન કવર વધશે અને પર્યાવરણની કાળજી પણ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી દ્વારા સરખેજ - ગાંધીનગર હાઇવેના આધુનિકરણ, તળાવોની જાળવણી ઉપરાંત નવીનીકરણ અને ઇંટરલીકીંગની કામગીરીમાં થયેલ પ્રગતિ તથા માણસા તેમજ ગાંધીનગર લોકસભાની નગરપાલિકાઓના વિકાસ કામોની સમીક્ષા અંગે પણ બેઠકો યોજવામાં આવી હતી.
