ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે પ્રજાસત્તાક પર્વે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું
Live TV
-
વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે : શંકરભાઈ ચૌધરી
75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરનાં દહેગામ ખાતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપી હતી. અધ્યક્ષે ભારતની આઝાદી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નામી અનામી સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
બંધારણના ઘડવૈયાઓને પણ આજના દિવસે યાદ કરી, વંદન કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતના દરેક નાગરીકે યાદ રાખવુ જોઇએ કે તે ભારતીય છે અને તેને દરેક અધિકાર છે, પરંતુ ચોકકસ ફરજો સાથે. ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આજના દિવસે જ આપણાં દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું.
અયોધ્યાનગરીમાં પ્રભુશ્રી રામ બિરાજમાન થયા છે. આપણી સૌની સદીઓની તપસ્યા ફળી છે અને અયોધ્યામાં પ્રભુશ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક પળના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. પ્રભુશ્રી રામની આ પ્રતિષ્ઠાથી "વસુધૈવ કુટુંબકમ્" ના વિચાર અને ભારતીય સંસ્કૃતિના વિશ્વાસની પ્રતિષ્ઠા થઈ છે. દેશમાં જી-ટવેન્ટી સમિટની ખુબ સફળતા પૂર્વક યજમાની થઈ છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદા પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. તેમના વિચારોના પરિપાકરૂપે સમગ્ર દેશમાં ક્લાઇમેટ ચેંજ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય રહ્યું હતું. ભારત હાલ સમગ્ર વિશ્વમાં નેનો યુરિયા બનાવવાવાળો સૌ પ્રથમ દેશ બની ચૂક્યો છે. આજે દેશ વિજ્ઞાન ક્ષેત્રે પણ અગ્રેસર બની રહયો છે. અગાઉ ચંદ્રયાન મિશનની સફળતાએ આપણને વિશ્વમાં ગૌરવ અપાયુ છે. દેશના વૈજ્ઞાનિકોની સતત મહેનતના કારણે સુર્યનો અભ્યાસ કરવા અંતરીક્ષમાં આદિત્ય-૧ નું સફળ ઉડ્ડાન કર્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં બંધારણમાંથી ૩૭૦ની કલમ દૂર થઇ છે. અંગ્રેજો સમયના જૂના કાયદામાં પ્રજાસત્તાક ભારતમાં આઇ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એકટમાં સુધારા કરવામાં આવ્યા છે. દેશના ખેડૂતો માટે કિસાન સન્માન નીધિ યોજના શરૂ કરી છે. જેના થકી આજે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વર્ષિક રૂા. ૬૦૦૦ સીધા જમા થઈ રહયા છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની યાત્રા આગળ વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે નવતર આયામો સર કર્યા છે.
અમૃત કાળની વાઇબ્રન્ટ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા અને ૪૫ લાખ કરોડથી વધુના રોકાણો માટે એમ.ઓ.યુ.ની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. માટી બચાવવા અને માનવજાતનું આરોગ્ય સાચવવા પ્રાકૃતિક ખેતી અપનાવી સમયની માંગ છે. નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ આવતીકાલના નિર્માણ માટે આપણે કટીબધ્ધ છીએ. મહિલાઓની ભાગીદારી રાજનીતિ ક્ષેત્રમાં વધે તે માટે રાષ્ટ્રીય બાલિકા દિવસે વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત વિધાનસભાએ પણ વિધાનસભાની કામગીરીને ફીજીકલમાંથી ડીજીટલ બનાવી છે. ગાંધીનગરની ગિફ્ટ સીટી વૈશ્વિક કક્ષાના નાણાંકીય હબમાં પરિવર્તિત થયું છે. ગિફ્ટ સીટી દેશ અને રાજ્યના આર્થિક વિકાસનું એક મહત્વનું કેન્દ્ર બની રહેશે.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. તેમજ પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. અધ્યક્ષના હસ્તે ઉમદા કામગીરી કરનાર અધિકારીઓ, કર્મયોગીઓ, ખેલાડીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષના હસ્તે ગાંધીનગર જિલ્લાના વિવિધ વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી "વિકાસ વાટીકા" પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અને મહાનુભાવના હસ્તે આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયા સહીત અધિકારી અને પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
