ગીર સોમનાથ: પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના સંગમથી 'બ્લુ ઇકોનોમી'ને મળ્યો વેગ
Live TV
-
સ્થાનિક કારીગરોની રોજગારી અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ગીર સોમનાથના દરિયાકાંઠે પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના સંગમથી 'બ્લુ ઇકોનોમી'ને વેગ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવી બોટ બનાવવા માટે મળતી 50 ટકા સુધીની સબસિડી અને આધુનિક ફાઈબર બોટ્સના નિર્માણથી માછીમારોની સુરક્ષા અને આવક બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે. આ સરકારી પ્રોત્સાહનને કારણે દરિયાકાંઠાના પરિવારો માટે આજીવિકાના નવા દ્વાર ખુલ્યા છે. ગીર સોમનાથના શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં હવે લાકડાનું સ્થાન 'ફાઈબર-રેઇનફોર્સ્ડ' બોટ્સ લઈ રહી છે. બ્લુ ઇકોનોમી હેઠળ વિકસતી આ ટેકનોલોજી દરિયામાં વધુ ટકાઉ અને સુરક્ષિત સાબિત થઈ રહી છે. નવી બોટના નિર્માણ, એન્જિન અને જીપીએસ સિસ્ટમ પર મળતી માતબર સબસિડીને કારણે સ્થાનિક માછીમારો હવે ઓછા ખર્ચે આધુનિક સાધનો અપનાવી રહ્યા છે.
સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની નવી બોટના નિર્માણ પર 22.50 લાખ રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આર્થિક લાભની સાથે ફાઈબર બોટ્સ સુરક્ષાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ સમયે લાકડાની હોડીની સરખામણીએ તેમાં પાણી ભરાવાનું કે ડૂબવાનું જોખમ નહિવત રહે છે. આધુનિકતાને પરિણામે હોડી નિર્માણની પ્રક્રિયા હવે વધુ ઝડપી બની છે. જે હોડી બનાવતા અગાઉ ચાર મહિનાનો સમય લાગતો, તે હવે માત્ર ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. પરિણામે, સ્થાનિક કારીગરોની રોજગારી અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગીર સોમનાથનો આ બદલાવ ગુજરાતના તટીય સમુદાયના સર્વાંગી વિકાસ અને સ્થાયી આજીવિકાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
