Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રીય કૃષિ પરિષદમાં સહભાગી

Live TV

X
  • કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન 2026’માં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ રાજ્યની કૃષિ સિદ્ધિઓ, રવિ સિઝનની સજ્જતા અને ખેડૂતહિતના મહત્વપૂર્ણ સૂચનો રાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરિષદમાં દેશના વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ તથા ICARના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદમાં સંબોધન કરતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત રાજ્યને ખાતરનો પૂરતો અને સુચારુ પુરવઠો પૂરો પાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે રવિ સિઝન માટે હાલમાં પૂરતા પ્રમાણમાં બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે.

    તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોને પ્રાથમિકતા આપી વર્ષ 2026-27 માટે કૃષિ બજેટ વધારીને રૂ. 17000 કરોડથી વધુ કર્યું છે. આ ઉપરાંત રાજ્યના આદિવાસી વિસ્તારોના ખેડૂતોને ઘરઆંગણે ખેતીવિષયક સેવાઓ અને માર્ગદર્શન મળી રહે તે માટે 14 જિલ્લાના 53 તાલુકાઓમાં EMRI-GVKના માધ્યમથી ‘કિસાન સુવિધા રથ’ શરૂ કરવામાં આવશે. મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના પાણીના યોગ્ય અને કરકસરયુક્ત ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓને વેગ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની ગુજરાત ગ્રીન રેવલ્યુશન કંપની (GGRC) દ્વારા અત્યાર સુધીમાં રાજ્યનો 25.91 લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે વધુ 2 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ લાવવા માટે રૂ. 1,250 કરોડની જોગવાઈ કરાઈ છે.

    બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓમાં ગુણવત્તા જાળવવા અંગે વિગતો આપતા તેમણે કહ્યું કે, રાજ્યમાં 276 ટીમો દ્વારા 6,380 ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત 26 FIR નોંધી 246 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પણ 94 ટીમો દ્વારા 3,760 સ્થળે તપાસ કરી 136 લાઇસન્સ રદ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે અને 15 FIR દાખલ કરવામાં આવી છે. મંત્રી વાઘાણીએ ભારત સરકાર સમક્ષ ગુજરાતની મહત્વપૂર્ણ રજૂઆતો રજૂ કરતા જણાવ્યું હતું કે, 'પીએમ-આશા' યોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકોના કુલ ઉત્પાદનના ૨૫ ટકાને બદલે 40 ટકા લેખે ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપવી જોઈએ. દિવેલાના પાકમાં ગુજરાત 16 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશમાં અગ્રેસર હોવાથી, દિવેલા ઉત્પાદક ખેડૂતોના હિત માટે તેને પણ MSPના દાયરામાં લાવવા રજૂઆત કરાઈ હતી.

    મંત્રીએ ભેળસેળ અટકાવવા માટે જૂના કાયદાઓ બદલી નવા અને વધુ કડક કાયદા ત્વરિત પસાર કરવા તથા નેનો ફર્ટિલાઇઝરના સેમ્પલ ટેસ્ટિંગ માટે આખરી પ્રોટોકોલ ઝડપથી જાહેર કરવા વિનંતી કરી. આ ઉપરાંત એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ મળતા 'સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ ફંડ'નો ઉપયોગ આગામી વર્ષોમાં કરવાની છૂટ આપવા અને સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન યોજના હેઠળ અરજી કરનાર તમામ 9000થી વધુ ખેડૂતોને લાભ આપવા વધારાનું એલોકેશન ફાળવવા પણ મંત્રીએ રજૂઆત કરી હતી.

    આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે કઠોળ, તેલીબિયાં અને ઓઇલ પામ મિશન, પાક વિવિધકરણ, પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, ફાર્મર રજિસ્ટ્રી, ડિજિટલ ક્રોપ સર્વે, એગ્રીસ્ટેક, પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના, પીએમ ફસલ બીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વધારવા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર કેન્દ્ર અને તમામ રાજ્યો વચ્ચે સઘન રણનીતિ આકાર પામી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
apply