ગુજરાતના ચારેય ઝોનના હોમગાર્ડ જવાનોએ ખેલદિલી સાથે ગજવ્યું મેદાન
Live TV
-
ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવ 2025-26નું ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ખાતે ભવ્ય સમાપન થયું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણાં અને ગૃહ રાજ્ય મંત્રી કમલેશ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સમાપન સમારોહમાં ખેલાડીઓને પ્રેરક ઉદબોધન આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડના જવાનોમાં છુપાયેલી ખેલદિલી અને તાકાતની ઝાંખી આ રમતોત્સવમાં સ્પષ્ટપણે જોવા મળી છે. તેમણે મહાભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે, "શ્રીકૃષ્ણએ અર્જુનને જે રીતે મેદાન ન છોડવા બોધ આપ્યો હતો, તેમ આપણે પણ હંમેશા મેદાનમાં આગેકૂચ કરવી જોઈએ. મેદાનમાં ટકી રહેનારા જ સફળતા પ્રાપ્ત કરે છે."આજે શહીદ દિવસ હોવાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ભારત માતાના વીર સપૂતો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને નતમસ્ત વંદન કર્યા હતા. તેમણે ઉમેર્યું કે રમતગમત એ માત્ર સ્પર્ધા નથી, પરંતુ ભાઈચારો વધારવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. પોલીસ વિભાગના ધ્યેય વાક્ય ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ સાથે આગળ વધીને આપણે ભારતની એકતા અને અખંડિતતા જાળવવામાં યોગદાન આપવાનું છે.
વિવિધ સ્પર્ધાઓ: બે દિવસીય મહોત્સવમાં100, 200 અને 400 મીટરની દોડ, રસ્સા ખેંચ, ગોળા ફેંક અને વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હોમગાર્ડઝ તથા સિવિલ ડિફેન્સના મહિલા અને પુરુષ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત ‘ખેલેગા ઇન્ડિયા’, ‘સ્વચ્છતા અભિયાન’, ‘પાણી બચાવો’ અને ‘સ્વદેશી અભિયાન’ જેવા સામાજિક સંદેશા સાથેની બાઇક રેલીને મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુંહોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ શમશેર સિંહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ રમતોત્સવ એ 2030ના કોમનવેલ્થ અને 2036ના ઓલિમ્પિક માટેની પૂર્વતૈયારીનો એક ભાગ છે. રમતગમત દ્વારા જવાનોમાં શારીરિક શ્રમ અને માનસિક ચપળતા કેળવાય છે, જે ફરજ દરમિયાન અત્યંત અનિવાર્ય છે.આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રમતગમતના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
