ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 225 તાલુકામાં ધમાકેદાર વરસાદ
Live TV
-
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 225 તાલુકામાં ધમાકેદાર વરસાદ
ગુજરાતમાં ચોમાસું સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં ખીલ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે.
વલસાડનું વાપી પાણી-પાણી: પોણા 9 ઇંચ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વાપીમાં આભ ફાટતા પોણા નવ (8.75) ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના મુખ્ય આંકડા
વાપી ઉપરાંત રાજ્યના અન્ય કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો, તેના પર એક નજર કરીએ તો કામરેજ (સુરત): પોણા સાત (6.75) ઇંચ, પારડી (વલસાડ): સાડા છ (6.50) ઇંચ, ઘોઘા (ભાવનગર): સવા છ (6.25) ઇંચ, કપરાડા (વલસાડ): પોણા છ (5.75) ઇંચ, વલસાડ શહેર: સાડા પાંચ (5.50) ઇંચ વરસાદ પડ્યો.
આ 18 તાલુકાઓમાં 3થી સાડા 4 ઇંચ વરસાદ
દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ખેરગામ, લાઠી, શિહોર, બાબરા, અમરેલી અને રાધનપુર સહિત રાજ્યના 18 જેટલા તાલુકાઓ એવા છે જ્યાં 3 ઇંચથી લઈને સાડા ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે. આ વરસાદને પગલે સ્થાનિક નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે.
50થી વધુ તાલુકાઓમાં વ્યાપક વરસાદ
ભારે વરસાદવાળા વિસ્તારો સિવાય પણ રાજ્યના અન્ય ભાગોમાં ધીમી ધારે અને મધ્યમ વરસાદ ચાલુ રહ્યો હતો. રાજ્યના 50થી વધુ તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી માંડીને 3 ઇંચ સુધીનો વ્યાપક વરસાદ નોંધાયો છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ:
રાજ્યભરમાં થઈ રહેલા આ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદને પગલે ધરતીપુત્રોમાં ભારે આનંદની હેલી જોવા મળી રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે આ વરસાદ વાવણી અને ઉભા પાક માટે અમૃત સમાન સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
