ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 48 કલાક ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Live TV
-
ગુજરાત પર આગામી 48 કલાક ભારે: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 'રેડ એલર્ટ'
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતાને જોતા 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. વાતાવરણમાં સર્જાયેલી એકસાથે ત્રણ મોટી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે, ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો, અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.
માછીમારોને ચેતવણી: દરિયામાં LCS સિગ્નલ લાગ્યું
ભારે વરસાદની આગાહીની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આથી વહીવટી તંત્ર દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે હાલ ગુજરાતના બંદરો પર LCS (Local Cautionary Signal) લગાવી દેવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના ગામોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલ રાજ્ય પર એકસાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે. શીયર ઝોન, ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. આ ત્રિવેણી સંગમના કારણે ગુજરાતમાં આગામી 48 કલાક અત્યંત નાજુક અને ભારે વરસાદી સાબિત થઈ શકે છે.
તંત્ર એલર્ટ મોડ પર
મુખ્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફ અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તૈનાત રહેવા આદેશ આપી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પાણી ભરાવવાની સ્થિતિમાં સાવધ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.
