ગુજરાત એસ.ટી.ની જનસેવા પ્રતિબદ્ધતાનું વધુ એક નવું સીમાચિહ્ન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જનસેવા પ્રતિબદ્ધતામાં એક નવું સિમાચિહ્ન 182 નવિન બસોના લોકાર્પણથી ઉમેર્યુ છે.
આ હેતુસર રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ 182 નવિન બસોને મુસાફરોની સેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો.રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ આ સમારોહમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તથા નાયબ મુખ્યમંત્રીએ આ નવિન બસોના ડ્રાયવર્સને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરી હતી.સામાન્ય માનવી માટે અવર-જવરના સરળ માધ્યમ એવું ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8000 થી વધુ બસોના કાફલાથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પડે છે. વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરીને રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટેની પરિવહન સેવા-સુવિધાઓ આપે છે.
રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસો ખરીદવા એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે. તે અંતર્ગત 2024-25 માં 963 સુપર એક્સપ્રેસ, 550 ગુર્જર નગરી, 100 સ્લીપર બસ, 350 મીડી બસ મળીને 1963 વાહનો પ્રજાજનોની સેવામાં મૂકાયા છે.PPP ધોરણે અત્યાધુનિક 200 નવીન વોલ્વો અને એ.સી. બસો સંચાલનમા મૂકવા પણ આયોજન હાથ ધરેલું છે. સમગ્રતયા 1963 નોન એ.સી તથા 200 એ.સી. બસો વિવિધ તબક્કે પ્રજાની સેવામાં મૂકવામાં આવેલી છે. તેમાં હવે આ નવી કુલ 62 કરોડની 182 બસો સંચાલનમાં મૂકવા માટે લોકાર્પણ કરવામાં આવી છે.મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ બસ લોકાર્પણ વેળાએ લોકોનું અભિવાદન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લા, વાહન વ્યવહાર કમિશનર અને જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. ડૉ. રાજેન્દ્ર કુમાર તથા એસ.ટી. નિગમના અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
