ગુજરાત પોલીસમાં નવનિયુક્ત 11,607 ઉમેદવારોને પસંદગીપત્ર કર્યા એનાયત
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પોલીસ દળમાં નવા પસંદગી પામેલા યુવા પોલીસ કર્મીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આ પસંદગી પત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, પરંતુ તે જવાબદારી, શિસ્ત અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે.
ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે 11,607 નવનિયુક્ત ઉમેદવારોને પસંદગી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ POLICE શબ્દનો જે આગવો મર્મ આપ્યો છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી તેમણે કહ્યું કે.. P એટલે પોલાઈટ, હંમેશાં જનતા પ્રત્યે નમ્ર, સહૃદયભાવ સાથે કામ કરતો હોય, O એટલે ઓબિડિયન્ટ, જે હંમેશાં તેના ઓફિસરની આજ્ઞામાં રહી ફરજ બજાવતો હોય, L એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા-કાનૂનને વફાદાર રહી, તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી, I એટલે ઈન્ટેલિજન્ટ, હંમેશાં સતર્ક હોય, બુદ્ધિચાતુર્યથી કામ લેતો હોય, C એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ન હારે, દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય, E એટલે એન્થુઝિઆસ્ટિક, ઉત્સાહી હોય, જનતાની સેવા-સલામતી માટે હરહંમેશ તત્પર હોય. રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ હૈયે રાખતો હોય.
આ ભરતીમાં નોંધપાત્ર બાબત એ છે કે કુલ 11 હજારથી વધુ ઉમેદવારોમાં 3100 જેટલી યુવતીઓ પસંદગી પામી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરુએ જણાવ્યું હતું કે બાયોમેટ્રિક જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સમગ્ર પ્રક્રિયા અત્યંત પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત જવાનોને અભિનંદન આપતા બે મોટી જાહેરાતો કરી હતી.રાજ્યમાં પ્રથમવાર ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે, જેથી તેઓને પોતાના વતન કે નજીકના જિલ્લામાં ફરજ બજાવવાની તક મળી શકે.
જાન્યુઆરી 2026 ના અંત સુધીમાં નવી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીઓનું આયોજન કરવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપથી આગળ વધી રહી છે. સીસીટીવી નેટવર્ક, બોડી વોર્ન કેમેરા અને સાયબર ક્રાઈમ સામેના 'સાયબર આશ્વસ્થ' જેવા પ્રોજેક્ટ્સથી ગુજરાત પોલીસ ટેક્નોલોજીથી સજ્જ બની છે. નવા જોડાઈ રહેલા ટેકનોસેવી યુવાનો આ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે.આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે.દાસ અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ નવનિયુક્ત જવાનોને માનવતા અને સંવેદનશીલતા સાથે કાયદાનું પાલન કરવા માર્ગદર્શન આપ્યું હતું.
