ગુજરાત પોલીસ દ્વારા 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024' માટે સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન
Live TV
-
આગામી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્ર યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનો સુચારૂ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે, જેનું આવતી કાલથી રીહર્સલ શરુ કરવામાં આવશે.
સુરક્ષા પ્રબંધ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો થી થશે, જેનો પ્રારંભ માનનીય પ્રધાનમંત્રીના વરદહસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે.
આ સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગીફ્ટ સીટી, રાજ ભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્ક્વૉડનો સમાવેશ થાય છે. જેમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP, 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્ક્વૉડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે 34 ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર ફરશે.
મહાત્મા મંદિર, સેકટર-17 એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કીંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમમાં ટ્રાફીક નિયમન માટે અલગ અલગ રૂટના ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેરનામા પ્રસિધ્ધ કરાવવામાં આવ્યા છે.
