Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિદ્યાપીઠમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓનો દીક્ષારંભ સમારોહ યોજાયો

Live TV

X
  • ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે, ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં દીક્ષારંભ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

    ગુરુપૂર્ણિમાના પાવન અવસરેઆ સમારોહમાં નવપ્રવેશિત વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. રાજ્યપાલએ આ અવસરે જણાવ્યું કે, ગાંધીજી કહેતા કે 'મારું જીવન જ મારો સંદેશ છે'. કોઈ વ્યક્તિના જીવનમાં આનાથી મોટી પારદર્શિતા ન હોઈ શકે. બાપુએ હજારો લોકોને પ્રભાવિત કર્યા અને એ પરંપરામાં ઘણા લોકો આગળ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા, મહાદેવ દેસાઈ તેમાંના એક હતા. 

    તેમણે ભારપૂર્વક કહ્યું કે જો મહાદેવ દેસાઈ ન હોત તો ગાંધીજીનું જીવન દર્શન આપણા સુધી પૂર્ણ રૂપે પહોંચ્યું ન હોત. ગાંધી બાપુનો પડછાયો બનીને મહાદેવ દેસાઈ રહ્યા હતા. ગાંધીજીના ઉપદેશ જનતા સુધી લઈ જવામાં મહાદેવ દેસાઈનો મોટો ફાળો છે. વિદ્યાર્થીઓ મહાદેવ દેસાઈ જેવા કર્મયોગી, ધર્માત્મા અને જીતેન્દ્રિય બને તે જરૂરી છે.તેમણે ઉમેર્યું કે, મહાદેવ દેસાઈના પરોપકાર ભાવમાંથી પ્રેરણા લઈને વિદ્યાપીઠના અનેક વિદ્યાર્થીઓએ સમાજ સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદ્યાપીઠ દ્વારા આજે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્યાપીઠમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને મહાદેવ દેસાઈમાંથી તેમજ પારિતોષિક પ્રાપ્ત કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી પ્રેરણા મળશે.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષારંભ સમારોહને પ્રાચીન ભારતના 'વેદારંભ' સાથે સરખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષાઋતુના પ્રારંભે ચાતુર્માસ દરમિયાન વિદ્યારંભની પરંપરા અનન્ય છે. ભારતના કૃષિપ્રધાન સમાજમાં ખેડૂતો વર્ષાઋતુમાં વાવણી પછી નિશ્ચિંત બનતા, જ્યારે ઋષિમુનિઓ અને સાધકો અરણ્ય છોડી નગરોમાં આવી નાગરિકો વચ્ચે વસવાટ કરતા હતા. આ શુભ મિલનથી શિષ્યોને ગુરુના ચિંતન અને જ્ઞાનનો અવસર પ્રાપ્ત થતો હતો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, જૈન પંથના સાધુઓએ આજે પણ ચાતુર્માસ દરમિયાન નગરોમાં નાગરિકો વચ્ચે આવીને આ પરંપરાને જીવંત રાખી છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાયેલો દીક્ષારંભ સમારોહ સંપૂર્ણપણે યથાર્થ છે, કારણ કે ગુરુ અને પૂનમનો ચંદ્ર બંને પૂર્ણતાના પ્રતીક છે. ગુરુ જીવનમાં પૂર્ણતા બક્ષે છે અને અજ્ઞાનના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ દોરી જાય છે, આથી જ 'તમસો મા જ્યોતિર્ગમય'નું સૂત્ર પ્રસ્તુત બને છે. 

    રાજ્યપાલએ જણાવ્યું કે, અભ્યાસ અર્થે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને 'દ્વિજ' કહેવાય છે, કારણ કે એક જન્મ માતા-પિતા આપે છે અને બીજો જન્મ ગુરુ દ્વારા આત્મા, મન અને બુદ્ધિને પુરસ્કૃત કરીને પ્રાપ્ત થાય છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ વર્ષે લગભગ 12 જેટલા પ્રાંતમાંથી વિદ્યાર્થીઓએ વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો છે, જેનાથી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. વિદ્યાપીઠનો ટૂંકા ગાળામાં થયેલો કાયાકલ્પ, સ્વચ્છતા સહિત ગાંધી સિદ્ધાંતોનું દ્રઢ અનુસરણ, સમગ્ર શિક્ષણ સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે.

    ગાંધી વિચાર અને આધ્યાત્મિક ચિંતનની અનિવાર્યતા.

    રાજ્યપાલએ આજના વૈશ્વિક પરિદ્રશ્ય પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, એક દેશ બીજા દેશ સાથે, એક પાડોશી બીજા પાડોશી સાથે લડે છે, સંસ્થાઓમાં પોલિટિક્સ અને પરિવારોમાં પણ પોલિટિક્સ - આવો માહોલ વ્યાપ્ત થઈ રહ્યો છે, જે વિશ્વભરમાં આધ્યાત્મિક ચિંતન અને ગાંધી વિચારોના અભાવને કારણે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આવનારી પેઢી ગાંધીજીના માર્ગે ચાલે તે માટે વિદ્યાપીઠના દરેક વર્ગખંડમાં, કોઈપણ વિષયના લેક્ચર દરમિયાન પાંચ મિનિટ ગાંધી દર્શન તેમજ અન્ય મહાપુરુષોના જીવન ઉપર ચિંતન-મનન થાય તે અત્યંત જરૂરી છે.પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાપીઠમાં યોજાયેલા આ પ્રવેશોત્સવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપેલી બે દાયકા જૂની પ્રવેશોત્સવની પરંપરા સાથે પ્રાસંગિક ગણાવ્યો હતો. તેમણે ગુજરાતના શિક્ષણ જગતમાં પ્રવેશોત્સવ પરંપરાનું મહત્વ અને તેના બહુઆયામી લાભો વર્ણવ્યા હતા.

    આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે 2023 અને 2024 માટેના 'મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર' અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર 1998 થી પ્રતિ વર્ષ સમાજ સેવાનું ઉત્કૃષ્ઠ કાર્ય કરનાર વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વર્ષ 2023 માટે ગ્રામીણ સેવા અને આદિવાસી ઉત્કર્ષ માટે ભારતીબેન ઓડેદરાને, તથા વર્ષ 2024 માટે અનાથ અને વિસ્થાપિત બાળકોના શિક્ષણ અને ગ્રામ સ્વરાજની પ્રવૃત્તિ માટે  અશોકભાઈ ચૌધરીને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુલપતિ ડૉ. હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં 'Digi વિદ્યાપીઠ' વેબ પોર્ટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ડિજિટલ પહેલ વિદ્યાપીઠને આધુનિક શિક્ષણ પ્રણાલી સાથે જોડવામાં મદદરૂપ થશે અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ સમુદાય માટે જ્ઞાનના નવા દ્વાર ખોલશે.

    કાર્યક્રમની શરૂઆતમાં કુલપતિ ડૉ. હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ટ્રસ્ટી હસમુખ પટેલે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કારની પૂર્વભૂમિકા અને આ પારિતોષિક પરંપરાના ઇતિહાસનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. કુલસચિવ ડૉ. હિમાંશુ પટેલે આભારવિધિ કરી હતી.આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી  દિલીપભાઈ ઠાકર,આયેશાબેન પટેલ, સુરેશભાઈ રામાનુજ, ભાષા વિદ્યાશાખાના ડિન સંજય મકવાણા, વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply