છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ
Live TV
-
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર ગત 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં આઠ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં આઠ ઈંચ વરસ્યો હતો. સાથે જ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 43 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 152 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે કરેલી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વ્યાપક વરસાદની આગાહી વચ્ચે તંત્ર વાહકો પૂરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલ્ટી માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિચાણ વાળા વિસ્તારોમાંથી કુલ 259 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના જેસર, મહુવા, સિહોર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમ, નદી-નાળા છલકાયા હતા. જેમાં ભાવનગર-વલ્લભીપુર માર્ગ પર સિહોર તાલુકાના પાલડી નજીક, ખેતરમાં એક શ્રમિક પરિવાર ફસાયો હોવાની માહિતી ડિઝાસ્ટર વિભાગને મળી હતી. ડિઝાસ્ટર વિભાગ તેમજ સિહોર પોલીસના સંયુક્ત પ્રયાસથી 3 બાળકો સહીત 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આજે, તા. 18 જૂન, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
