છોટાઉદેપુર: મોરખલા ગામની દીકરી સુષ્માબેન રાઠવા બન્યા 'બેંક સખી'
Live TV
-
છોટાઉદેપુર: મોરખલા ગામની દીકરી સુષ્માબેન રાઠવા બન્યા 'બેંક સખી', ગ્રામજનોના ઘરઆંગણે પહોંચી ડિજિટલ બેંકિંગ સેવાઓ
બેંકિંગ કામકાજ માટે 13 કિલોમીટરના લાંબા ધક્કા, કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની હાલાકી અને આખો દિવસ વેડફાવાની સમસ્યાઓ હવે છોટાઉદેપુરના છેવાડાના મોરખલા ગામના લોકો માટે ભૂતકાળ બની ગઈ છે. ગામની દીકરી સુષ્માબેન રાઠવા ‘બેંક સખી’ બનીને ગ્રામજનોને ઘરઆંગણે જ નાણાકીય સેવાઓ પૂરી પાડી રહ્યાં છે, જેનાથી ગ્રામજનોના કિંમતી સમય અને નાણાં બંનેની ભારે બચત થઈ રહી છે.
ગ્રામીણ આજીવિકા મિશનની સફળ પહેલ
છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિ ગ્રામીણ જીવનને વધુ સરળ અને સુગમ બનાવી રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) હેઠળ સખી મંડળ મારફતે વિશેષ તાલીમ મેળવીને સુષ્માબેને પોતાના ઘરેથી જ ‘બેંકિંગ કોરેસ્પોન્ડન્ટ સેન્ટર’ (બેંક સખી કેન્દ્ર) શરૂ કર્યું છે.અગાઉ મોરખલા અને વંદડ સહિત આસપાસના ગ્રામજનોને નાણાં જમા કરાવવા કે ઉપાડવા માટે બોડેલી અથવા સૂર્યઘોડા સુધી લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. પરંતુ હવે રોકડ વ્યવહારથી લઈને KYC સુધીની તમામ મહત્વપૂર્ણ બેંકિંગ સુવિધાઓ ગ્રામજનોને પોતાના જ ગામમાં સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.
ગ્રામજનોએ વ્યક્ત કરી ખુશી
સ્થાનિક રહેવાસીઓ પ્રફુલભાઈ બારિયા અને નવનીત કુમારે આ સેવાઓ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બેંક સખીના આગમનથી હવે અમારો સમય અને નાણાં બંને બચે છે અને નાના-મોટા નાણાકીય વ્યવહારો માટે હવે બહાર જવું પડતું નથી.આ પહેલ માત્ર છેવાડાના વિસ્તારો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવીને ડિજિટલ સશક્તિકરણની એક નવી અને દીર્ઘદ્રષ્ટિવાળી રાહ ચીંધી રહી છે.
