જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રૂ.188 કરોડના નહેર સુધારણા કામોનું કર્યું નિરીક્ષણ
Live TV
-
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ-કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ આવતા સુરત અને નવસારી જિલ્લામાં ચાલી રહેલા નહેર સુધારણા કામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ યોજનામાં ચાલુ વર્ષે અંદાજિત રૂ. 188 કરોડના ખર્ચે કુલ 60 જેટલા મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે. પ્રગતિમાં રહેલા આ કામો અંતર્ગત મંત્રીએ કામરેજના વાવ અને ઉંભેળ ખાતે સબ માઈનોર નહેરોના લાઈનીંગ વર્ક, બારડોલીના ધામડોદ લુમ્ભા, તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામમાંથી પસાર થતી બ્રાંચ નહેરો અને મેઈન નહેરના લાઈનીંગ તેમજ સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કર્યું હતું.
ખેતીવાડી માટે હાલ પાણીની જરૂરિયાત ન હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન આશરે 35 દિવસ માટે નહેરોમાં પાણી બંધ રાખીને આ મરામત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, આવી તમામ નહેરોની સાઈટનું મંત્રીએ જાતનિરીક્ષણ કર્યું હતું.મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નહેર સુધારણા અંતર્ગત કાચી નહેરોની કોન્ક્રીટ લાઇનિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે જમીનમાં ઉતરી જતા પાણીનો બગાડ અટકશે અને પાણીના લીકેજની સમસ્યા હલ થશે. આ ઉપરાંત, વર્ષો જૂના અને જર્જરિત થઈ ગયેલા પુલોને તોડીને તેની જગ્યાએ નવા મજબૂત પુલો બનાવવામાં આવી રહ્યા છે તથા નહેરો પરના પાણીના નિયમન માટેના જુના સ્ટ્રક્ચરો અને સાયફનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પોતાના ખેતરે જવા-આવવા તથા ખેતપેદાશોના પરિવહન માટે સરળતા રહે તે હેતુથી નહેરોની બાજુમાં પાકા રસ્તાઓ બનાવવાની કામગીરીનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી આ રસ્તાઓ મોટરેબલ બનશે.
આ કામગીરી પૂર્ણ થવાથી પાણીનો વ્યય અટકશે અને બચેલું પાણી છેવાડાના (ટેઈલ એન્ડના) ખેડૂતો સુધી તેમના નિર્ધારિત રોટેશન મુજબ પહોંચાડી શકાશે. મંત્રીએ કામરેજ તાલુકાની વાવ પિયત મંડળી તેમજ મોરથાણા સિંચાઈ પિયત મંડળીની સાઈટ પર જઈને કામગીરી નિહાળી હતી અને ગુણવત્તા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ઈશ્વર પરમાર, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિક સચિવ તેમજ મુખ્ય ઈજનેર આર.એમ. પટેલ અને વિભાગના અન્ય અધિકારીઓ તેમજ પિયત મંડળીના હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
