ડીસાના ડાવસમાં ગુજરાતના પ્રથમ 'મહા વન કવચ'નો પ્રારંભ: ૨ લાખ વૃક્ષો સાથે પર્યાવરણનું નવું નજરાણું
Live TV
-
ગ્રીન ગુજરાતનો સંકલ્પ: મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે ડાવસમાં 'મહા વન કવચ'નું લોકાર્પણ
ગુજરાતના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે રાજ્યના પ્રથમ 'મહા વન કવચ' પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને અને તેમના જન્મદિવસને 'ગ્રીન ડે' તરીકે ઉજવીને આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
પર્યાવરણ અને વિકાસ વચ્ચે સુમેળ સાધવાનો મુખ્ય ઉદ્દેશ્ય: આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ કરવાનો નથી, પરંતુ રાજ્યમાં પર્યાવરણ શિક્ષણ, જૈવવિવિધતાનું સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામે એક મજબૂત કવચ તૈયાર કરવાનો છે. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સંશોધન અને ઇકો-ટૂરિઝમનું મહત્વનું કેન્દ્ર બનશે. સરકાર હવે 'ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશન'ના અભિગમ પર કામ કરી રહી છે, જેથી વિકાસકામો દરમિયાન જો વૃક્ષ કાપવાની અનિવાર્યતા ઊભી થાય, તો તેની સામે ઓછામાં ઓછા 100 નવા વૃક્ષો વાવી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય.
120 એકરનું વિશાળ વન ક્ષેત્ર અને મિયાવાકી પદ્ધતિ: બનાસ નદીના કિનારે 120 એકર જમીનમાં આકાર લઈ રહેલા આ 'મહા વન કવચ'માં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૨૫ પ્રજાતિના 10 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી સમયમાં કુલ ૨ લાખથી વધુ વૃક્ષો વાવીને આ વિસ્તારને વિશાળ ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરવામાં આવશે. અહીં સાંસ્કૃતિક વન, પ્રાકૃતિક માર્ગો અને ઔષધીય વનસ્પતિઓના ઉછેર દ્વારા કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવશે.આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારી અને ગ્રામીણ વિકાસને પણ નવી ગતિ પ્રદાન કરશે.
