ડેડિયાપાડાના શર્મિલાબેને ટ્રેક્ટરના વ્હીલ ફેરવી ખેતીમાં સર્જી 'હરિયાળી ક્રાંતિ'
Live TV
-
ડેડિયાપાડાના શર્મિલાબેને ટ્રેક્ટરના વ્હીલ ફેરવી ખેતીમાં સર્જી 'હરિયાળી ક્રાંતિ'
કહેવાય છે કે 'મન હોય તો માળવે જવાય', આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના શર્મિલાબેને. 12 વર્ષ પહેલાં પતિના છત્રછાયા ગુમાવ્યા બાદ આર્થિક સંકટો સામે ઝૂકવાને બદલે તેમણે હિંમતનો માર્ગ પસંદ કર્યો અને આજે તેઓ ગ્રામીણ મહિલા સશક્તિકરણનું એક જીવંત ઉદાહરણ બની ગયા છે.
સંઘર્ષથી સ્વાવલંબન સુધીની સફર
પતિના અવસાન બાદ ચાર એકર જમીન સંભાળવી શર્મિલાબેન માટે મોટો પડકાર હતો. પરંપરાગત મજૂરી પર નિર્ભર રહેવાને બદલે તેમણે જાતે જ ટ્રેક્ટરના સ્ટેયરીંગ પર હાથ અજમાવ્યો. ખેતર ખેડવાથી લઈને પાકની માવજત સુધીની તમામ જવાબદારી તેમણે પોતાના ખભે ઉપાડી લીધી.
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો ચમત્કાર
શર્મિલાબેને રાસાયણિક ખેતીના ખર્ચાળ માર્ગને છોડીને ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’ અપનાવી. તેમના ખેતરમાં ઉભેલી 10 ફૂટ ઊંચી તુવેર આજે આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હળદર અને અન્ય પાકોના વિપુલ ઉત્પાદનથી તેમની આવકમાં મોટો વધારો થયો છે. રાસાયણિક ખાતર વગર તૈયાર થતા પાકો સ્વાસ્થ્ય માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
"મુશ્કેલીઓ તો ઘણી આવી, પણ મક્કમ મનોબળ અને સરકારી યોજનાઓના સહારે મેં હિંમત ન હારી. આજે ગર્વ છે કે હું અને મારી સાથે અન્ય ૧૨ બહેનો આત્મનિર્ભર બની શકી છે." - શર્મિલાબેન
12 અન્ય મહિલાઓને પણ આપી રોજગારી
શર્મિલાબેન માત્ર પોતે આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ તેમણે ગામની અન્ય 12 મહિલાઓને પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે વાળી છે. આ મહિલાઓ આજે સ્વાભિમાન સાથે પોતાની આજીવિકા રળી રહી છે, જે સાચા અર્થમાં નારી શક્તિનો વિજય છે.
