દાહોદ: આંગણવાડીના ભૂલકાઓએ હથેળીમાં તિરંગો બનાવી રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશો આપ્યો
Live TV
-
દાહોદમાં આંગણવાડીના ભૂલકાઓએ હથેળીમાં તિરંગો બનાવી ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી આપ્યો રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશો
દેશભક્તિ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ નાનપણથી જ મનમાં સંસ્કારરૂપે વણાય તેવા સુંદર દૃશ્યો દાહોદમાં જોવા મળ્યા હતા. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાહોદ શહેરના ઘાંચીવાડ-૩ આંગણવાડી કેન્દ્રના નાના-નાના ભૂલકાઓએ પોતાની હથેળીમાં તિરંગાનું ચિત્ર બનાવી રાષ્ટ્રપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી હતી. નાનકડા હાથોમાં રંગાયેલો તિરંગો અને ચહેરા પર છલકાતો ઉત્સાહ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી રહ્યો હતો. આંગણવાડીના ભૂલકાઓએ ઉમંગભેર ભાગ લઈને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ પ્રત્યેની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.
આંગણવાડીના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલે એક સુંદર સંદેશો આપ્યો કે તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા, શૌર્ય અને ગૌરવનું જીવંત પ્રતિક છે. નાનકડા ભૂલકાઓના હાથમાં શોભતો તિરંગો અને તેમના ચહેરા પરનો દેશભક્તિનો ઉત્સાહ ઉપસ્થિત સૌના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જગાવી ગયો હતો.
‘હર ઘર તિરંગા’ અભિયાન દેશવાસીઓમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વધુ પ્રબળ બને તેમજ દરેક નાગરિકમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ, કર્તવ્યનિષ્ઠા અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ અને દેશભક્તિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેન શ્રીમતી હીરલબેન ભટ્ટ અને શ્રીમતી સોનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહ દાખવ્યો હતો.


