દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું : ત્રણ લોકોને નવજીવન મળ્યુ
Live TV
-
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન અંગે જનજાગૃતિ અને પ્રેરણાદાયી ઝૂંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત આજ રોજ, તા. 6 નવેમ્બર 2025ના રોજ, પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર તરફથી સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાની એક અનોખી અને ભાવનાત્મક ઘટના સર્જાઈ છે.
ધારપુરના દિપક ભવાન પરમાર (ઉંમર 55 વર્ષ) ને તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શરૂપે જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિપક પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલના મેડિસીન વિભાગ, એનેસ્થેશિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, આર.એમ.ઓ., મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી આ માનવતાભર્યું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને દાનમાં મળેલ લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું.IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.દિપક પરમારના આ પરોપકારી અને પ્રેરણાદાયી નિર્ણયથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિની નવી લહેર પ્રસરી છે. તેમના પરિવારજનોનો આ ઉમદા નિર્ણય અન્ય અનેક પરિવારોને પણ અંગદાન માટે પ્રોત્સાહિત કરશે.
મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ પારુલ શર્માએ જણાવ્યું કે “આજનો દિવસ ધારપુર હોસ્પિટલ માટે ગૌરવનો દિવસ છે. ધારપુર હોસ્પિટલમાં સૌ પ્રથમ અંગદાન સફળતાપૂર્વક થયું છે. ધારપુરના 55 વર્ષીય દીપક પરમારના અંગદાનથી માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ સમક્ષ આવ્યું છે. એમના પરિવારજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રી, પ્રમુખ સચિવ, સી.ઈ.ઓ.અને આઈ.કે.ડી.ના સહયોગ માટે હ્રદયપૂર્વક આભાર.”
