દૂધરેજ વડવાળા ધામ ખાતે દેવ પ્રાગટ્ય દિને યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ
Live TV
-
સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડવાળા દેવ પ્રાગટ્ય દિને મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવતા શ્રી વડવાળા મંદિર - દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો.
સન્માન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશ હોળી ઉત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આ હોળી મહોત્સવમાં દરેક સમાજે કુરીવાજ, વ્યસન, વેરઝેર રૂપી દૂષણોની પણ હોળી કરી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઇએ. સર્વગ્રાહી, સર્વ સમાવેશી અને સમરસ વિકાસના રંગોથી આપણે આત્મનિર્ભર ગુજરાતની નેમ પાર પાડવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસની સાથે સાથે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના નિર્ણયને પાર પાડવા માટે પરિશ્રમનો મહિમા અને શ્રદ્ધાનું બળ એ મૂડી છે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ સત્તાને ધર્મ સત્તાનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળી રહે છે તે આપણી વિશેષતા છે. સંતો સમાજની ચિંતા કરી સમાજ અને વ્યક્તિઓના દુખો દૂર કરવા માટે પ્રવાસ ખેડી રહ્યા છે. વડવાળા ગુરુગાદી એ પણ ખૂબ સારા કાર્યો, હરહંમેશ કર્યા છે. કોઇપણ આપત્તિ સમયે પ્રજાજનોની પડખે ઊભા રહી સેવા કરવી તે ગુરુગાદીનો પ્રથમ ધર્મ રહ્યો છે.
મુખ્યમંત્રીએ કોરોના કાળમાં થયેલ સેવા કાર્યો અંગે જણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રજાજનોની પડખે ઊભી રહી અનેક સેવાકાર્યો થકી કોઇ પણ વ્યક્તિને કપરા કાળમાં ભૂખ્યા સુવા દીધા નથી. રાજ્ય સરકારની પણ પ્રજાજનો વચ્ચે ઊભા રહીને કાર્ય કરવાની અનોખી પદ્ધતિ છે.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર પાસેના દૂધરેજ વડવાળા મંદિર ખાતે ભગવાન વડવાળા દેવના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રીનું પાઘડી, બંડી, લાકડી અને ગૌમાતાના પ્રતિકથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
