નર્મદા ડેમ 7મી વખત પૂર્ણ ક્ષમતાથી છલકાયો
Live TV
-
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફુટ પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના બુધવારે બપોરે સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કર્યા હતાં.
મુખ્યમંત્રીએ 10,453 ગામ, 191 શહેર તથા 07 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2017માં 17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ 07 વખત - વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025 તથા 2026માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની 138.68 મીટર (455 ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘન મીટર છે. આ સાથે પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી.
મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કરતાં કહ્યુ કે, ચાલુ વર્ષમાં સમગ્ર નર્મદા બેસીનમાં આવેલ કુલ પાણીના જથ્થાને ધ્યાને લઈને સામાન્ય વર્ષોમાં ગુજરાતને ફાળવવામાં આવતા 9 મિલિયન એકર-ફૂટ (MAF) પાણીની સામે હાલમાં આશરે 7.9 મિલિયન એકર-ફૂટ (MAF) પાણી ઉપલબ્ધ છે.
આ ઉપલબ્ધ અમૂલ્ય જળનો કરકસરપૂર્વક, સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરી પાણીના દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
નોંધનીય છે કે, ચાલુ ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન 201 MCM ( 7118 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 1028 તળાવો ભરવામાં આવ્યા છે.
સૌની યોજનામાં 288 MCM (10189 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 167 તળાવો, 1014 ચેકડેમ અને 45 ડેમ ભરવામાં આવ્યા છે. આમ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પાણી વિતરણ કરવામાં આવેલ છે.
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.
આ કાર્યક્રમમાં પાણી પૂરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અગ્રસચિવ સંજીવ કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવા, સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, SSNNLના ચેરમેન અને એમ.ડી. મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
