નવરાત્રિમાં ખાદ્યપદાર્થોની શુદ્ધતા પર સરકારની કડક નજર
Live TV
-
નવરાત્રિમાં ખાદ્યપદાર્થોની શુદ્ધતા પર સરકારની કડક નજર: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ યોજી સમીક્ષા બેઠક
નવરાત્રિ પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના નાગરિકોના આરોગ્યની જાળવણી માટે શુદ્ધ, સાત્વિક અને ભેળસેળરહિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.
મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન રહેશે કાર્યરત:
બેઠકમાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવા માટે રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન સતત કાર્યરત રહેશે. આ વાહનો દ્વારા સ્થળ પર જ ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાનો ખોરાક વેચનારા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
નાગરિકો માટે જાગૃતિ અને અપીલ:
મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે શુદ્ધ અને પૌષ્ટિક આહાર મેળવવો એ દરેક નાગરિકનો હક છે. ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા જાતે ચકાસી શકે છે. જો ક્યાંય પણ અસ્વચ્છતા કે અનિયમિતતા જણાય, તો નાગરિકો તુરંત જ તેની સત્તાવાર ફરિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી, ગાંધીનગર ખાતે નોંધાવી શકે છે.
હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઈવની સમીક્ષા:
મંત્રીના માર્ગદર્શન હેઠળ તા. 14 થી 28 સપ્ટેમ્બર 2026દરમિયાન રાજ્યવ્યાપી હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી, જેમાં 259 સરકારી, 303 અર્ધસરકારી તથા 845 ખાનગી એકમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન કુલ 328 હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી, તથા 459 હોસ્ટેલ-કેન્ટીનના ખાદ્ય નમૂનાઓ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં.
આ તપાસ દરમિયાન 16 એકમો સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવ્યા હતા. તેમજ 5 એકમોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત, અમદાવાદ અને વડોદરા જેવી મહાનગરપાલિકાઓની ટીમો દ્વારા દિવસ-રાત કરવામાં આવતી. કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર તહેવારો પૂરતું સીમિત ન રહેતા કાયમી ધોરણે ચાલુ રહેવું જોઈએ, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ક્યારેય કોઈ ચેડા ન થાય.
