પાટણમાં રૂ. 398 કરોડનું મહા સાયબર કૌભાંડ ઝડપાયું: 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ 20 સામે ગુનો
Live TV
-
ગુજરાત સરકારના સાયબર ક્રાઈમ મુક્ત રાજ્યના સંકલ્પને સાકાર કરવા પાટણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે.
પાટણ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા "OPERATION MULE HUNT 2.0" અંતર્ગત દેશવ્યાપી નેટવર્ક ધરાવતા રૂ. 348.43 કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા રેન્જ આઈજી પરિક્ષીતા રાઠોડ અને પાટણ એસપી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ પોલીસે કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ (NCCRP)ના ડેટા એનાલિસિસની મદદથી હારીજ નાગરિક સહકારી બેંકના શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટીયાઓ સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે કરંટ ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) ખોલાવતા હતા.
આ ભાડે રાખેલા ખાતાઓ, એટીએમ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકિંગ કીટનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન, ઓનલાઇન સટ્ટો અને ઓટીપી ફ્રોડ જેવા ગંભીર ગુનાના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. કુલ 13 એકાઉન્ટ્સમાંથી કરોડોના ગેરકાયદે વ્યવહારો થયા છે, જેમાં દેશભરમાંથી 228 સાયબર ફરિયાદો નોંધાયેલી છે.પોલીસે આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટીયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ કર્યો છે. રોહન ઠાકોર અને વિષ્ણુ પ્રજાપતિ સહિતના આરોપીઓ પોલીસ સકંજામાં છે, જ્યારે અમદાવાદના જયદીપ ઉર્ફે જે.ડી. ઠક્કર સહિત 6 આરોપીઓને પકડવાના બાકી છે. પીઆઈ આર.જી. ઉનાગર અને તેમની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે.
