પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ.4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વ સંધ્યાએ રૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.
પ્રધાનમંત્રીએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીયો નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનંદ મળે છે.
