Skip to main content
Settings Settings for Dark

પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સાયલા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી  દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સાયલા મામલતદાર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

    આ બેઠકમાં જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ એવા ચોટીલા, સાયલા અને થાનગઢના વર્ષ 2025-26 અને 2026-27ના આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ વિવિધ વિભાગોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ, પ્રગતિ હેઠળના કામો અને ભાવિ લક્ષ્યાંકોની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચે અને માળખાગત સુવિધાઓ સુદ્રઢ બને તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પશુપાલન, પીવાનું પાણી અને રસ્તાઓ જેવા પાયાના પ્રશ્નોને અગ્રતા આપી આગામી બે વર્ષનું સચોટ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને વિકાસશીલ તાલુકા યોજના હેઠળની ગ્રાન્ટનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

    મંત્રીએ શિક્ષણ ક્ષેત્રે દીકરીઓના શિક્ષણ અને સુવિધા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, તમામ શાળાઓમાં દીકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. આરોગ્ય ક્ષેત્રે CHC સેન્ટરોની વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા અને આંગણવાડીઓ માટે સરકારી જમીન સંપાદિત કરી નવા મકાનો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, ગ્રામ્ય બહેનો પશુપાલન થકી આર્થિક રીતે સધ્ધર બને તે માટે વધુમાં વધુ બહેનોને આ વ્યવસાય સાથે જોડવા સૂચવ્યું હતું.

    સાયલા તાલુકાને 'વિકસિત તાલુકો' બનાવવાના નિર્ધાર સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 200 કરોડ અને વર્ષ 2026-27 માટે રૂ. 250 કરોડ જેટલી માતબર ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ટનો ઉપયોગ છેવાડાના ગામો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે કરવામાં આવશે. મંત્રીએ પર્યાવરણ જાળવણી માટે દરેક શાળાના કમ્પાઉન્ડમાં મહત્તમ વૃક્ષારોપણ કરવા પણ અપીલ કરી હતી.વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમય મર્યાદા બાબતે મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રજાલક્ષી કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું કે, તેઓ આગામી છ મહિનામાં ફરીથી રિવ્યુ બેઠક યોજી કામગીરીની પ્રગતિ તપાસશે. આકાંક્ષી તાલુકાનાં જુદાજુદા પેરામિટર અન્વયે થયેલી કામગીરીની પણ વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન થકી મંત્રીએ મેળવી હતી.આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય  કિરીટસિંહ રાણા,શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply