પ્રી-પીટીસી કૉલેજો અંગે મહત્વના સુધારા જાહેર
Live TV
-
રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત સરકારે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી (D.E.C.Ed.) કૉલેજોના પ્રવેશ નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયોથી પ્રવેશ પ્રક્રિયા વધુ સમાવેશી અને સુગમ બનશે.
પ્રવેશ બેઠકોમાં 25% નો વધારો
અગાઉ વર્ગદીઠ મંજૂર થયેલી 50 બેઠકોની ક્ષમતામાં 25%નો વધારો કરીને હવે કુલ 62 બેઠકો કરવામાં આવી છે. આ વધારાથી તાલીમ મેળવવા ઈચ્છુક વધુમાં વધુ યુવાનોને શિક્ષક બનવાની ઉત્તમ તક મળશે અને રાજ્યમાં ગુણવત્તાયુક્ત બાળ શિક્ષણ માટે તાલીમબદ્ધ માનવબળનો વ્યાપ વધશે.
અનામતની જોગવાઈ સાથે પ્રવેશની તકો વિસ્તરી
સુધારેલા પ્રવેશ માળખા અનુસાર SEBC માટે 27 ટકા અનામત હેઠળ 17 બેઠકો, અનુસૂચિત જાતિ માટે 7 ટકા હેઠળ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 ટકા હેઠળ 9 બેઠકો નક્કી કરવામાં આવી છે. ઓપન કૅટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે પ્રથમ વખત 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ 100 ટકા મુજબ 62 બેઠકો ઉપલબ્ધ રહેશે. આ બેઠક વધારો ખાસ કરીને પ્રી-પીટીસી કૉલેજો ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નોંધપાત્ર તક ઊભી કરશે. વધુ બેઠકો ઉપલબ્ધ થવાથી પ્રવેશ માટેની તકો વધશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોની સંખ્યા પણ વધવાની સંભાવના છે.
મહત્તમ વયમર્યાદા 24થી વધારીને 30 વર્ષ કરાઈ
યુવાનોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને 30 વર્ષ કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષના પ્રારંભે (જુલાઈની પ્રથમ તારીખે) ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આ ઉપરાંત, એસ.સી., એસ.ટી., એસ.ઈ.બી.સી., ઈ.ડબ્લ્યુ.એસ. તથા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ ૫ વર્ષની વિશેષ છૂટ આપવામાં આવશે.
દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ અનામત
દિવ્યાંગો માટે 'Rights of Persons with Disabilities Act, 2016' ની કલમ-32 અનુસાર કુલ બેઠકોમાંથી 5 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. દિવ્યાંગતા શિક્ષક વ્યવસાયની ફરજોમાં બાધારૂપ ન બને તેની ચકાસણી કરીને મેરિટ અને પસંદગીના આધારે પ્રવેશ અપાશે. સરકારના આ સર્વસમાવેશક નિર્ણયોથી પ્રી-પીટીસી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા અસંખ્ય યુવા વિદ્યાર્થીઓ માટે નવી ક્ષિતિજો ખુલ્લી થશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે.
