ભક્તો અંબાજી મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મંગાવી શકશે
Live TV
-
બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજીનાં ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરનો પ્રસાદ મંગાવી શકશે. દેશ વિદેશનાં માતા અંબાના ભક્તો ઘણી વખત અંબાજી મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી ત્યારે તેમની આસપાસના લોકો અંબાજી મંદિરે દર્શન કરવા જતા હોય તો પ્રસાદ મંગાવી લેતા હોય છે. પરંતુ હવે માઈ ભક્તોને એવું કરવાની જરૂ નહીં પડે. ભક્તોને ઘરે બેઠા અંબાજીનો પ્રસાદ મળી જશે. ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરનો પ્રસાદ મંગાવી શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે અલાયદિ વ્યવસ્થા ઉભી કરી છે.
શક્તિપીઠ અંબાજીનો મોહનથાળનો પ્રસાદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને અંબાજીમાં દર્શન કરવા જતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળ કે ચીકીનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી. આ પ્રસાદ લેવા પણ લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડતું હોય છે જેથી કેટલાક શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાનું રહી જતું હોય. જો આવું થાય તો હવે ચિંતા કરશો નહીં તમને ઘરે બેઠા પ્રસાદ મળી જશે . હવે તમને થતું હશે કે કેવી રીતે આ પ્રસાદ ઘરે મંગાવી શકાય.કેવી રીતે મંગાવશો પ્રસાદ
અંબાજી મંદિરનો પ્રસાદ તમે ઓનલાઈન મંગાવી શકો છો. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ www.ambajitemple.in મારફતે ઓનલાઇન પ્રસાદ મંગાવી શકાય છે. તમને ઘરે બેઠા પ્રસાદના 4 પેકેટ મળશે જેની કિંમત 100 રૂપિયા છે. પ્રસાદ મંગાવનાર શ્રદ્ધાળુઓના નામનું સ્ટીકર લગાવી પ્રસાદનું પેકેટ સીલ કરી ભક્તના ઘર સુધી મોકલવામાં આવે છે. આ પ્રસાદ ઘરે સુધી મોકલવા માટે કોઈ પણ જાતનો એક્સટ્રા ચાર્જ લગાવવામાં આવતો નથી. 4ના ગુણાકમાં શ્રદ્ધાળુઓ ગમે તેટલો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ મંગાવી શકે છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે એક કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ કરે છે. ઘરે બેઠા પ્રસાદની વ્યવસ્થા ઉભી કર્યા પછી આ આંકડો ડબ્બલ થાય તેવી શક્યતા છે. આ પ્રસાદના પેકેટ મોડામાં મોડા ચોથા દિવસે પણ શ્રદ્ધાળુઓને મળી જશે. ભક્તોએ આ ઓનલાઇન પ્રસાદ મેળવવા મંદિરે સૂચિત કરેલી વેબસાઈટ ઉપર પ્રીપેઇડ ચુકવણું કરી પ્રસાદ મેળવાનો રહેશે. આ પ્રસાદ હાલના તબક્કે અંબાજી ખાતે પ્રસાદ કેન્દ્ર પર મળી જ રહ્યો છે અને તે સેવા અવિરત ચાલુ રહેશે પરંતુ આ ઓનલાઇન પ્રસાદ મેળવવાની સિસ્ટમ અલાયદી ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી શ્રદ્ધાળુ દેશ વિદેશમાં પણ ઘરે બેઠા પ્રસાદ મંગાવી પરોક્ષ રીતે માતાજીના દર્શન કરી શકશે.
